ઉમલ્લા પાસે 43 પોલીસ જવાનોની બસને આંતરી રાજકીય પક્ષના 15 આરોપીઓએ ડ્રાઈવર-ક્લીનરને માર મારી ₹32,500 ની લૂંટ ચલાવી

ઓરિસ્સા રાજ્યની સ્ટેટ પોલીસ સુરતથી એસઓયુ ફરવા ગઇ હતી

સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 લૂંટારૂઓને ઝડપી પાડ્યા

સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલા ઓરિસ્સા રાજ્યની સ્ટેટ પોલીસના 44 પોલીસ જવાનોની બસને ઉમલ્લા નજીક આંતરી ડ્રાઇવર-ક્લિનરને માર મારી 20 હજાર રૂપિયા રોકડા તેમજ 3 મોબાઇલ મળી કુલ 32,500ની લૂંટ કરાઇ હતી.ભાવનગરના તળાજાનો વતની અલ્પેશ વાઘા ટાંટાએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સુરતના વરાછા ખાતે આવેલી પાર્થ ટ્રાવેલ્સની બસ પર 4 દિવસથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તે તેના માલીકની લક્ઝરી બસમાં વરાછાથી ઓરિસ્સા રાજ્યની સ્ટેટ પોલીસના જવાનો જેમાં પીએસઆઇ પ્રેમરાજ નાયક તેમજ અનિલ બેહેરા તથા અન્ય 41 જવાનોને બેસાડી એસઓયુ જોવા ગયાં હતાં.

જ્યાંથી પરત ફરતી વેળાં ઉમલ્લા ચાર રસ્તા પાસેે એક રાજકિય પક્ષની રેલીમાં બે ઇકો તેમજ આઠેક બાઇક પર પક્ષના માણસો રેલીમાં નિકળ્યાં હતાં. જેમને હોર્ન મારી તેઓ ઓવરટેક કરી આગળ નિકળી હતી. તે જ વખતે તેઓએ તેમનો પિછો કર્યો હતો.હરીપુરા અને સંજાલી ગામના પાટીયા વચ્ચે રાજપારડી તરફ કેના ખેતર પાસે ઇકોએ તેમની બસની આગળ ઉભી રાખી દેતાં બસ ઉભી રહી જતાં તેમાંથી એક ડ્રાઇવર સહિત 7 શખ્સો હાથમાં ચપ્પુ, લોખંડની પાઇપ તેમજ લાકડીઓ લઇ નીચે ઉતર્યાં હતાં. દરમિયાનમાં અન્ય એક એક્સયુવી તેમજ બઇક પણ ત્યાં આવી હતી. તેમાંથી પણ પાંચથી વધુ માણસો ઉતર્યાં હતાં. જે પૈકીના ત્રણ જણાએ બસમાં કન્ડક્ટર સાગર ચુડાસમા પાસે પહોંચી તેમને માર માર્યો હતો.

જ્યારે બાઇક સવારે પથ્થરો મારી બસના કાચ તોડ્યાં હતાં. લૂંટારૂઓએ તેમને ચપ્પુ બતાવી તેમની પાસેથી બે મોબઇલ તેમજ ડ્રાઇવર અલ્પેશના પેન્ટના ખિસ્સામાંથી બળજબરીથી 20 હજાર રૂપિયા રોકડા લૂંટી ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. જે. ટાપરીયાએ ટીમ સાથે સ્થળ પર પહોંચી તમામ વિગતો મેળવી મામલામાં ફરિયાદ નોંધી હતી. ઉપરાંત ભરૂચ એલસીબીના સંપર્કમાં રહીં ડ્રાઇવર તેમજ ક્લિનરના નિવેદન લેતાં લૂંટ કરનારાઓ રાજકીય પક્ષના પ્રચાર કરનારા હોવાનું માલુમ પડતાં ટીમે તેમના વર્ણન તેમજ સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી 3 આરોપીઓ સુમિત વસાવા, પ્રિયંક વસાવા અને નરેશ કંચન વસાવાની ધરપકડ કરી હતી.જ્યારે નિલેશ વસાવા, વલુસીંગ વસાવા, આકાશ સહિત મહિન્દ્રા એક્સયુવીમાં આવેલાં 5 અજાણ્યા શખ્સો તથા બાઇક પર આવેલાં બે સહિતના અજાણ્યા લૂંટારૂઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *