ત્રણ માસ પહેલા અમરેલીના ચિતલમા વૃધ્ધ દંપતિના ઘરમા ઘુસી ખુની હુમલો કરી લુંટ ચલાવવાના કેસમા તથા ચિતલમા જ એક ખેડૂતના ઘરમા ચોરી કરવાના ગુનામા અમરેલી એલસીબીએ આજે મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ કરી હતી. અને તેમની પાસેથી ચાંદીનો હાર, મોબાઇલ વિગેરે કબજે લીધુ હતુ.
અમરેલી જિલ્લામા પાછલા મહિનાઓમા ગ્રામ્ય વિસ્તારમા એકલા રહેતા વૃધ્ધ દંપતિઓને નિશાન બનાવી હત્યા, ખુની હુમલો, લુંટ જેવી ઘટનાઓ આચરવાની ઘટનાઓ વધી હતી. અગાઉ પોલીસે આવી જુદીજુદી બે ગેંગને ઝડપી હતી. હવે આવી વધુ એક ગેંગ સામે આવી છે. જે પૈકી બે શખ્સોને આજે અમરેલીના ઠેબી ડેમ પાસેથી ઝડપી લેવાયા હતા. અમરેલી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ તથા તેની ટીમે મુળ મધ્યપ્રદેશના અને હાલ શેડૂભારમા રહેતા કમલેશ દલુ સીંગાર (ઉ.વ.21) અને દિવાન રેમસિંહ મોહનીયા (ઉ.વ.22) નામના શખ્સોની ધરપકડ કરી હતી. તેની પાસેથી 500 ગ્રામનો ચાંદીનો હાર અને ત્રણ મોબાઇલ કબજે લેવાયા હતા.
ગત 18/9ની રાત્રે ચિતલમા આદેશનગરમા નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરોલીયા અને તેમના પત્ની ઘરમા સુતા હતા ત્યારે આ શખ્સોએ ઘરમા ઘુસી નાથાભાઇનુ મોઢુ દબાવી હથોડીના ઘા માર્યા હતા. તેમના પત્નીને પણ ખાટલા નીચે પછાડી બેફામ મારમાર્યો હતો. દેકારો થતા ત્રણ લુંટારૂ નાસી ગયા હતા. તે જ રાત્રે ચિતલમા જુદીજુદી દુકાનોમા ચોરી થઇ હતી.
તેના વીસ દિવસ પહેલા 31/8ના રેાજ ચિતલમા કમલેશભાઇ બાબુભાઇ મીરોલીયાના ઘરમાથી ચાંદીનો હાર વિગેરેની ચોરી થઇ હતી. આ બારામા પોલીસે ટેકનીકલ સોર્સની મદદ લઇ લુંટ અને ચોરીમા સંડોવાયેલા આ બંને શખ્સોને ઝડપી લીધા હતા. આમ એકલા રહેતા વૃધ્ધ દંપતિઓને નિશાન બનાવતી હવે ત્રણ ગેંગ ઝડપાઇ ચુકી છે.