કચ્છી દાનવીર પંચમહાભૂત માં વિલીન
કચ્છી દાનવીર દામજી ભાઈ એ મુંબઈ ખાતે દેહાંત થતાં સમગ્ર કચ્છ શોકમગ્ન બન્યું
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ, કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર દામજીભાઇ લાલજીભાઇ એન્કરવાલાનું આજે મોડી રાત્રે મુંબઈમાં અવસાન થતાં સમગ્ર કચ્છ અને જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. મૂળ કુંદરોડીના દામજીભાઇએ ટૂંકી માંદગી બાદ 86 વર્ષની વયે વિદાય લીધી છે. તેમની અંતિમયાત્રા તેમના મુંબઈના નિવાસસ્થાનથી આજે સવારે 10 વાગ્યે નીકળી હતી. પંચ મહાભૂત માં વિલીન
દામજીભાઇએ નાની વયે ઉદ્યોગમાં સફળતા મેળવીને એન્કર ઇન્ડસ્ટ્રીઝને ચરમસીમાએ પહોંચાડી હતી. કચ્છની આરોગ્ય સેવા-જીવદયા સંસ્થાઓમાં તેમણે કરોડોનું દાન આપીને કચ્છની સેવા કરી હતી. એટલું જ નહીં નર્મદા યોજના સહિતના કચ્છને સ્પર્શતા પ્રશ્નો માટે આગેવાની લીધી હતી. ગત 15 જાન્યુઆરીએ મુંબઇ ખાતે કચ્છ યુવક સંઘ અને કચ્છમિત્રના ઉપક્રમે કચ્છના જનપ્રતિનિધિઓનું અભિવાદન યોજાયું હતું, જેમાં નર્મદા યોજના માટે દામજીભાઇએ આપેલી લડતની વિગતો સમાવતાં પુસ્તક ‘નર્મદાક્રાંતિનો અપ્રગટ અધ્યાય’નું વિમોચન થવાનું હતું. પરંતુ દામજીભાઇએ જ દિવસે બીમાર પડી જતાં મોકૂફ રખાયું હતું.
દેશમાં બહુ ઓછા ઉદ્યોગપતિઓના નામ તેમના ઉત્પાદનની સાથે આબાદ અને અતૂટ રીતે જોડાયેલા છે. કચ્છના દામજીભાઇ શાહ આ પ્રકારના ઉદ્યોગપતિઓની યાદીમાં ટોચ પર ગણાય છે. તેમના એન્કર બ્રાન્ડના ઉત્પાદનો વિશે ગુજરાત અને કચ્છમાં કોઇને પૂછો તો કે દામજીભાઇ ક્યા તો ફટ જવાબ મળે એન્કરવાળા અને એમ કહો કે એન્કરવાલા તો શબ્દ પૂરો થાય દામજીભાઇ એન્કરવાલા.
વેપાર-વાણિજ્યમાં ડંકો વગાડતા કચ્છીઓમાં ઉદ્યોગ-ઉત્પાદનના રાહ બનાવનાર દામજીભાઇ-જાદવભાઇના પિતા લાલજીભાઇની સાહસિકતા અને દુરંદેશીને તેમના પરિવારે એન્કર ગ્રુપને એટલી ઊંચાઇઓ સર કરાવી હતી કે, વિશ્વ પ્રસિદ્ધ પેનાસોનિક ગ્રુપે એન્કરના વીજ ઉત્પાદન અને બજાર હસ્તગત કર્યા પછી પણ એન્કરનું નામ કાઢીને પોતાની વિશ્વ પ્રસિધ્ધ બ્રાન્ડ પેનાસોનિકનો ઉપયોગ કરવાની જરૂરત જણાઇ નથી. એન્કરની બ્રાન્ડ એટલી મજબૂત થઇ ગઇ છે કે પેનાસોનિક પણ તેનો લાભ ઉઠાવવાની લાલચ રોકી શકતું નથી.
46 વર્ષ અગાઉ 1964માં માત્ર બે-ત્રણ લાખના મૂડીરોકાણ અને મુઠ્ઠીભર માણસોના સ્ટાફ સાથે શરૂ થયેલી એન્કર ઇલેક્ટ્રીકલ્સ કચ્છ, વલસાડ, દમણ અને હરિદ્વારમાં કારખાના અને 7,500 જેટલા કર્મચારીઓના વિશાળ પરિવાર ધરાવે છે. 2009માં 2500 કરોડની જંગી રકમે પેનાસોનિક ગ્રુપે એન્કર કંપની ખરીદી લીધી હતી, પરંતુ દામજીભાઇ આજ સુધી તેમની મહેનતના ફળ સમાન એન્કર ગ્રુપના એમીરેટ્સ ચેરમેન હતા.
1939માં કચ્છના કુંદરોડી ગામમાં જન્મેલા દામજીભાઇ માટે મુંબઇ બીજા વતન જેવું છે. તે સમયે મુંબઇમાં નાણાં ધીરધારનો વ્યવસાય ધરાવતા લાલજીભાઇ શાહે દામજીભાઇને કુંદરોડી અને મુંબઇમાં શિક્ષણ લેવડાવ્યું હતું. બદલાતા જતા સમયની સાથે તાલ મિલાવતાં મિલાવતાં શાહ પરિવારે નાણા ધરધારનો વ્યવસાય સમેટીને વરલી વિસ્તારમાં કેટલેરીની દુકાન શરૂ કરી હતી. તે સમયે કાઠું કાઢી રહેલા દામજીભાઇએ અભ્યાસની સાથે સાથે સમય મળે ત્યારે ત્યારે દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું. અભ્યાસની સાથે સાથે વેપારના અનુભવના પાઠ શરૂ થઇ ગયા હતા. ખાલસા કોલેજમાં સાયન્સ પ્રવાહમાં અભ્યાસ પૂર્ણ કરીને દામજીભાઇના 1960માં વિવાહ થયા હતા. 1962માં કટલેરીની દુકાનના વ્યવસાય કરતાં કશુંક નવું અને અનોખું કરવાની ઇચ્છાએ તેમણે નાનું કારખાનું નાખવાનું નક્કી કર્યું.
એક કારીગરને ભાગીદાર રાખીને મુંબઇની પ્રખ્યાત બોમ્બે ટોકીઝના પ્રાંગણમાં નાની જગ્યા લઇ દોઢ લાખના રોકાણ સાથે ટૂલરૂમ વર્કસ શરૂ કર્યું હતું. 700 ફૂટની જગ્યામાં 20 માણસના સ્ટાફ સાથે સાવ નાના ક્ષેત્રમાં પ્રવેશેલા શાહ પરિવારને બે વર્ષ સુધી વ્યવસાય ચલાવ્યા બાદ નુકસાની દેખાવા માંડી. એસ્ટિમેન્ટમાં કચાશને કારણે થતી નુકસાનીની ખબર પડતાં ટૂલરૂમ બંધ કરવાનું નક્કી કર્યું હતું. દામજીભાઇના કાકા વિશનજીભાઇ વ્યવસાયમાંથી છૂટા થયા હતા. પરંતુ દામજીભાઇ અને જાદવભાઇએ ઉદ્યોગ ક્ષેત્રના પદાર્પણને અધવચ્ચે છોડી દેવાને બદલે નવું સાહસ કરવાનો નિર્ણય લીધો હતો.
1962ના અરસામાં શાહ પરિવારનો ઔદ્યોગિક સાહસનો બીજો અધ્યાય શરૂ થયો હતો. મલાડની બોમ્બે ટોકીઝના પ્રાંગણમાં એ જ 700 ફૂટની જગ્યામાં વીજ સ્વિચ બનાવવાનું એકમ શરૂ કર્યું હતું. પંદરેક લાખનું રોકાણ સાથે તે સમયે કાળી ગોળ ડબ્બા જેવી સ્વિચને બદલે રૂપકડી પિયાનો પ્રકારની સ્વિચનું ઉત્પાદન શરૂ કર્યું. આરંભમાં 59 બોક્સ જેટલું ઉત્પાદન તો થતું પણ લોકોના મનમાં આ નવતર સ્વિચ બેસતી ન હતી. શાહ પરિવારને વેચાણ વ્યવસ્થા માટે સખત મહેનત કરવી પડતી પણ પરિણામ આવતું ન હતું. તેવામાં મુંબઇમાં દીપક ઇલેક્ટ્રીક સ્ટોર ધરાવતા રસિકભાઇ ધારિયાને આ નવતર સ્વિચો જચી ગઇ. તેમણે તેનું તમામ ઉત્પાદન રાખીને વેચી આપવાની શરૂઆત કરી. આજે પણ શાહ પરિવાર રસિભાઇ ધારિયા પરિવારનું ઋણ યાદ કરે છે અને નિકટનો નાતો જાળવી રાખ્યો છે.
સ્વિચોનું ઉત્પાદન શરૂ થયા બાદ ઉદ્યોગ અને તેની નોંધણી માટેની કાર્યવાહી વિક્ટર બ્રાન્ડના નામ હેઠળ હાથ ધરાઇ હતી, પરંતુ કોઇ પણ કારણસર આ નામ ઉપલબ્ધ ન થતાં બંને ભાઇઓએ નવું નામ શોધવાની કવાયત શરૂ કરી. આખરે એન્કર નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. તે સાથે એન્કર અને એન્કરવાલાની સફળતાની યાત્રા શરૂ થઇ. બોમ્બે ટોકીઝના યુનિટ પછી દમણ-વલસાડના એકમો તે પછી ભુજ અને હરિદ્વારના ગંજાવર એકમો એન્કર પરિવારમાં જોડાયાં હતા. વીજ ઉપકરણો ઉપરાંત એન્કર જૂથે હેલ્થકેરના ઉત્પાદનમાં ઝંપલાવ્યું હતું. સાબુ અને ટૂથપેસ્ટની દુનિયામાં પણ એન્કરે ઝડપથી નામના મેળવી લીધી હતી. એન્કર હેલ્થ અને બ્યૂરો કેર કંપનીની તમામ જવાબદારી દામજીભાઇના નામ પુત્ર સંજયભાઇ સંભાળી રહ્યા છે. મુંબઇમાં રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ પરિવારે ઝંપલાવ્યું છે.