
કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો. વરસાદી માહોલ સર્જાઈ જતા અનેક સ્થળે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આજે માંડવી, મુંદરા, નખત્રાણા અને ભુજ તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. અનેક સ્થળો પર કરા પડ્યા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે. વરસાદના પગલે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. કચ્છમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસર તળે એક દિવસ બાદ આજે ફરી કમોસમી વરસાદ પડ્યો હતો.
જિલ્લાના ભુજ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા અને અંજાર તાલુકામાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. માંડવીના ગઢશીશામાં કરા સાથે શરૂ થયેલો વરસાદ એક કલાક સુધી પડ્યો હતો. તો પાસેના દસરડી અને આસપાસના વિસ્તારમાં પણ માવઠું થયાનું જાણવા મળ્યું છે. આ સિવાય નખત્રાણાના કોટડા રોહ, રામપર રોહા, નારણપર અને વમોટી ગામમાં વરસાદ પડ્યો છે. મુન્દ્રા શહેર ઉપરાંત તાલુકાના કણઝરા અને અન્ય ગામોમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે અંજારના ખેડોઈમાં વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે માહોલમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ભુજમાં બપોર સુધી વાદળછાયું વાતવરણ સર્જાયું હતું. જયારે 4 વાગ્યા બાદ ઝરમર વરસાદ નોધાયો હતો. ભુજની આસપાસના ગામોમાં પણ છાંટા અને ઝાપટા સ્વરૂપે વરસાદ થતાં દોડધામ મચી હતી. તાલુકાના લોડાઈ ગામે વરસાદ બાદ ગામમાં પાણી વહી નિકળ્યા હતા.
મુન્દ્રા તાલુકાના કણઝરા, વાંકી પત્રી અને બાબીયામાં ગાજવીજ, તોફાન, બરફના કરા સાથે માવઠું થયું હતું. ધરતીપુત્રોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ભારતીય કિસાન સંઘના જિલ્લાના સદસ્ય લખુભાઈ આહીર જણાવ્યું હતું. કણઝરાથી લખુભાઈ આહીરે જણાવ્યું હતું કે, આજે બપોરે ભારે પવન, ગાજવીજ અને તોફાન સાથે બરફના કરા સાથે વસ્રસાદ પડ્યો હતો. અને વાડી, ખેતરમાં પાણી નીકળ્યા હતા. બપોરે 3 વાગ્યાં સુધી પોણી કલાકમાં બરફના કરા સાથે એકાદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જણાવ્યું હતું. ભારે પવનથી ગામની બાજુમાં બની રહેલ કંપનીના પતરાના શેડ ઉડી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદથી દાડમ, કેરી, જીરું, ઘઉં, વરિયાળી સહિતના પાકને નુકસાન થયું છે.
માવઠાના પગલે દાડમ, કેરી અને ઘઉં સહિતના પકોમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. સફેદ મોતી જેવા બરફના કરા પડતા લોકોએ તેનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ કરી સોસીયલ મીડિયા પર દ્રષ્યોને વહેતા કર્યા હતા.