ભુજ માંડવી હાઈવે પર આવેલા ખત્રી તળાવ નજીક પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે 77.9 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. સાથે જ એક મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવ ચાલી રહી છે. જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચનાથી પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી.
સૂત્રો થી મળતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને ખત્રી તળાવ નજીક નિલકંઠ મહાદે મંદિરના ગેટ પાસેથી એમડી ડ્રગ્સ સાથે ભુરૂભા ખેતુભા સોઢા, લીલાવતીબેન ઉર્ફે લીલાબા વિજયપ્રાગજી ચૌહાણ અને શેરૂભા ઉર્ફે વિપુલસિંહ વિજયસિંહ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ આરોપીઓ પાસેથી 77.9 ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા 7 લાખ 79 હજાર, ત્રણ મોબાઈલ, બે બાઈક અને 1220ની રોકડ સહિત કુલ 8 લાખ 53 હજાર 220નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ માનકુવા પોલીસ મથકે એનડીપીએસ એક્ટની કલમો તળે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં એસઓજી પીઆઈ, એએસઆઈ હોડકોન્સ્ટેબલ સહિતના જોડાયા હતા.