Kutch : લખપત તાલુકાના ગામ નજીક આવેલી મોડલ સ્કૂલ ખાતે સામાજિક વનીકરણ રેન્જ દયાપર તેમજ અદાણી ફાઉન્ડેશન અને ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. તે સાથે અહીંથી તાલુકાના અલગ અલગ ગામોમાં ઘર આંગણે વૃક્ષ વાવવા માટે નીકળેલા રથને તાલુકા મામલતદારે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
Kutch : અહીંની મોડેલ સ્કૂલના સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમનો ઉપસ્થિત અધિકારીઓના હસ્તે તુલસીના કુંડામાં પાણી રેડીને પ્રારંભ કરવામાં આવ્યા બાદ અધ્યક્ષ સ્થાનેથી લખપત તાલુકા મામલતદાર એ.એસ.હાસ્મીએ જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા વૃક્ષ રથના માધ્યમથી લોકોના ઘર ઘર સુધી વૃક્ષ પહોંચાડવાના કાર્યની સાથે છેવાડાના સૂકા વિસ્તારમાં વનીકરણ કરવાના આયોજનને બિરદાવ્યું હતું. તેમણે અહીં ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓને પણ પોતાના ઘર આંગણે એક એક વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવા જણાવ્યું હતું.
Kutch : દયાપર વન વિભાગના આરએફઓ બી.એન. દેસાઈએ જણાવ્યું હતું કે દરેક લોકો ઘરના આંગણામાં એક એક વૃક્ષનું વાવેતર કરે અને તેનો જતનપૂર્વક ઉછેર કરે. તાલુકાના અલગ અલગ કામોમાં દરેક લોકોના ઘરે ઘરે 10 હજાર કરતાં પણ વધુ વૃક્ષનું વિતરણ કરવાની નેમ સાથે આ વૃક્ષ રથ શરૂ કરાયો છે. જેના દ્વારા તાલુકાના મોટાભાગના ગામો આવરી લેવાશે. ઉપસ્થિત કરસનભાઈ ગઢવી તેમજ મોડેલ સ્કૂલના આચાર્ય સંજયભાઈ નાયીએ જણાવ્યું હતું કે વૃક્ષએ આપણા જીવનના આધાર સ્થંભ સમાન છે. કાર્યક્રમમાં અનિલભાઈ કાગડિયા, જબરદાન ગઢવી તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું જતીનભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવ્યુ હતો.