KUTCH : ૧૯૭૧ના યુધ્ધમાં બહાદુરી દર્શાવનાર વિરાંગનાઓ થકી માધાપર ગામનું નામ રાષ્ટ્રકક્ષાએ ગૂજતું થયું છે – ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી
KUTCH : માધાપર ખાતે શીલાફલકમનું લોકાર્પણ કરી ગૃહરાજ્ય મંત્રીશ્રીએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા સાથે વિરાંગનાઓને બળ આપનાર સાહસભૂમિની માટી અમૃતકળશમાં એકત્ર કરી
KUTCH : મારી માટી, મારો દેશ અભિયાનમાં નાગરીકોને સક્રિયતાથી જોડાવવાની અપીલ સાથે સામાજિક કાર્યક્રમોમાં શહીદોના પરિવારો તથા દેશવીરોને બોલાવીને સન્માન બક્ષવા ગૃહરાજ્ય મંત્રીશ્રીનો અનુરોધ
KUTCH : સંવેદનશીલતા દર્શવતા ગૃહરાજ્ય મંત્રીશ્રીએ ૯૦ વર્ષના વયોવૃદ્ધ વિરાંગનાને ઘરે જઇને ખાસ સન્માન કરી તેમના આર્શીવાદ મેળવ્યા
KUTCH : ૧૯૭૧ના યુદ્ધમાં નાપાક ઇરાદા સાથે પાકિસ્તાને બોમ્બ ઝીંકીને એરફોર્સનો રન-વે તોડી નાખ્યો હતો ત્યારે દેશની મદદે આ માધાપર ગામની વિરાંગનાઓ આવી હતી. જાનની પરવા કર્યા વિના રાણી લક્ષ્મીબાઇની જેમ ગામની અનેક મહિલાઓએ જવાનો સાથે ખભે ખભા મિલાવીને કામગીરી કરી હતી. જેના પરિણામે દેશને જે યશસ્વી જીત મળી તેનો શ્રેય જવાનોની સાથે આ વિરાંગનાઓને જાય છે તેવું આજરોજ ભુજ તાલુકાના માધાપર ખાતે મારી માટી, મારો દેશ અભિયાન અંર્તગત યોજાયેલા માટીને નમન,વીરોને વંદન કાર્યકમમાં સહભાગી થયેલા ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
માધાપરની વીરાંગનાઓનું સન્માન સાથે વંદન કરતા ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સેનાની શહાદતને યાદ કરીને હર ઘર તિરંગા અભિયાન છેડીને દેશના નાગરીકોને એકસુત્રતાના તાંતણે બાંધ્યા હતા. જયારે આ વર્ષે મારી માટી, મારો દેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેનો હેતુ દેશની આઝાદીથી લઇને દેશને જયારે પણ જરૂર પડી છે તેવા સમયે દેશસેવા કરનાર વીર શહીદોને યાદ કરવાનો અને વર્તમાન તથા આવનારી પેઢીને તેનાથી પરિચિત કરવાનો છે. મને આજરોજ ૧૯૭૧ના યુદ્ધની વિરાંગનાઓની ભૂમિ પરથી માટી એકત્ર કરવાનો અને આ કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો તે મારૂ અહોભાગ્ય છે.
વધુમાં તેમણે નાગરીકોને સામાજિક કે ધાર્મિક પ્રસંગો કે કાર્યક્રમોમાં દેશ માટે શહાદત વહોરનારા વીરોના પરિવારો કે દેશસેવા કરનાર રાષ્ટ્રવીરોને આમંત્રિત કરીને સન્માન કરવા આહવાન કર્યું હતું જેથી નવયુવાનો તેની પ્રેરણા મેળવે તેમજ વીરશહીદોના પરિવારને સમાજની હુંફ પ્રાપ્ત થાય.
આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીશ્રીએ પ્રથમ શીલાફલકમનું લોકાર્પણ કરીને ઉપસ્થિત નાગરીકો સાથે પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. તે બાદ વીરોને વંદન કરીને માધાપરની માટી તથા સરહદની માટીનો અમૃત કળશ સ્વીકાર્યો હતો. ધ્વજવંદન સાથે ગૃહરાજ્ય મંત્રીશ્રીએ માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. અમૃત વાટિકામાં વૃક્ષારોપણ બાદ ગૃહરાજ્ય મંત્રીશ્રીએ એમ.એસ.વી હાઇસ્કુલ ખાતે ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સંકુલની મુલાકાત લીધી હતી.
ઉપરાંત મંત્રીશ્રીએ ૧૯૭૧ના યુદ્ધમાં રન-વે બનાવનાર ૯૦ વર્ષના વડીલ વિરાંગના મેઘબાઇબેન સેંઘાણી તથા ૯૦ વર્ષના વીરબાઇબેન પીડોરીયાના ઘરે જઇને તેમના આશીર્વાદ મેળવીને તેમનું ખાસ સન્માન કર્યું હતું, તે સાથે તેમની સાથે ગોષ્ઠી કરી હતી. જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ આવકાર આપીને ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, આગેવાનશ્રી દેવજીભાઇ વરચંદ, જયંતભાઇ માધાપરીયા, રેન્જ આઇ.જીશ્રી જે.આર.મોથાલીયા, એસ.પી શ્રી મહેન્દ્ર બગડીયા, નિયામકશ્રી જિલ્લા ગ્રામવિકાસ એજન્સી આર.કે.ઓઝા, ભુજ પ્રાંત અધિકારીશ્રી દેવાંગ રાઠોડ, ડેપ્યુટી ડીડીઓશ્રી આસ્થાબેન સોલંકી તથા જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યોશ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, બીએસએફના જવાનો, એનસીસી-એનએસએેસ કેડેટ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.