KUTCH નકલી E.D. પર્દાફાશથી ગુનાખોરીની નવતર પેટર્ન ખૂલી કચ્છનો જ નહીં પણ રાજ્યનો સંભવત: આ પ્રથમ કિસ્સો
E.D.ના સ્વાંગમાં દરોડો પાડી લાખોના દાગીનાનો હાથ મારવા સહિતનાં કૃત્યનો ભાંડો ફોડી એક ડઝન આરોપીની ટોળી ઝડપી પાડવાની પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાની કાર્યવાહીને લઇને કચ્છ અને ગુજરાત માટે નવતર કહી શકાય તેવી આધુનિક જમાનાની ગંભીર આયોજનબદ્ધ ગુનાખોરીની પેટર્ન સામે આવી છે. કાયદાના સકંજામાં આવેલી ટોળકીનો આ પ્રથમ પ્રયાસ હતો કે કેમ તેના સહિતની વિગતો આગળની તપાસમાં બહાર આવે તેમ છે. એકથી વધુ જિલ્લાના આરોપીઓ એકબીજા સાથે મળી કાવતરું રચી ઇ.ડી. E.D.જેવી એજન્સીના વેશમાં આ પ્રકારના અત્યંત ગંભીર ગુનાહિત કૃત્યને અંજામ આપી શકવાની બિન્ધાસ્ત હદે પહોંચ્યા હોય તેવો પણ માત્ર કચ્છનો જ નહીં પણ રાજ્યનો સંભવત: આ પ્રથમ કિસ્સો બની રહ્યો છે જેણે અનેક સવાલો સર્જ્યા છે, તો નકલી અને બનાવટીના અનેકવિધ કિસ્સાઓ વચ્ચે પૂર્વ કચ્છના આ બનાવે પ્રથમ વખત જડબેસલાક ડિટેકશન કાર્ય થયાનો અહેસાસ પણ કરાવ્યો છે.
ગાંધીધામ શહેરની મુખ્ય બજાર, સોની બજારમાં આવેલી રાધિકા જ્વેલર્સ નામની દુકાનમાં ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (E.D.)ની ખોટી ઓળખ આપી દુકાન અને ત્રણ મકાનોમાં તપાસ કરવાનો ઢોંગ કરી રૂા. 25,25,225ના દાગીનાની ચોરી કરવાના પ્રકરણમાં પોલીસે એક મહિલા સહિત 12 જણની ધરપકડ કરી હતી. ટોળકીના એક સાગરીતને પકડી પાડવા કવાયત હાથ ધરાઇ છે. આ ગુનાશોધન કામગીરીનાં પગલે આયોજનબદ્ધ ક્રાઇમનો આ મુદ્દો સપાટીએ આવ્યો છે.
શહેરના ટી.બી.ઝેડ.-નોર્થ વિસ્તારમાં રહેતા ફરિયાદી કનૈયા પ્રતાપ ઠક્કર સોની બજારમાં ગ્રીન પેલેસ હોટેલ નજીક રાધિકા જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. ગત તા. 2/12ના તેમની દુકાનમાં સવારના ભાગે પાંચ શખ્સો ઘૂસી આવી ઇ.ડી.નું ખોટું કાર્ડ બતાવી દુકાનમાં હાજર તમામના મોબાઇલ છીનવી લીધા હતા તેમજ સી.સી.ટી.વી.નું ડી.વી.આર. કાઢી લેવાયું હતું. ફરિયાદી તથા તેમની સાથેના યોગેન્દ્ર રૂપારેલને પોતાની સાથે લાવેલ ગાડી નંબર જી.જે.-23-સી.ઇ.-6952માં બેસાડી તેમના ઘરે લઇ ગયા હતા, જ્યાં વીડિયો શૂટિંગ ચાલુ કરી ઘરમાં હાજર મહિલાઓના મોબાઇલ છીનવી લીધા હતા અને જે હોય તે કાઢી આપવા ધમકી આપી હતી. બાદમાં તપાસનો ઢોંગ કરી દાગીના કાઢી ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યા હતા. બાદમાં ફરિયાદીના બાજુમાં જ રહેતા તેમના પિતરાઇ ભાઇના ઘરે જઇને તપાસનો ઢોંગ કર્યો હતો. ત્યારબાદ લીલાશાહ નગરમાં રહેતા ફરિયાદીના ભાઇ અનિલ ઠક્કરના ઘરે ગયા હતા જ્યાં ઘરને તાળું મારેલું હતું. આ ટોળકીએ સવારે તો મકાન ખુલ્લું હતું અને સાફસફાઇ ચાલુ હોવાનું કહ્યું હતું. દરોડા પાડતાં પહેલાં તેમણે આ મકાનની પણ રેકી કરી હતી તેવી વિગતો પોલીસની કાર્યવાહીમાં બહાર આવી છે. દરમ્યાન ફરિયાદીનાં ઘરે પરત આવી ઇ.ડી.E.D. ના અધિકારીની ઓળખ આપનારા શખ્સે કોઇએ ખોટી માહિતી આપી છે. તમારા ઘરમાં જોઇએ તેટલો માલ નથી, અમે જઇએ છીએ તેમ કહી બધાના મોબાઇલ પરત આપી દીધા હતા અને આ વાત કોઇને ન કહેવા જણાવ્યું હતું.
આ ગતિવિધિ દરમ્યાન ફરિયાદીનાં ઘરમાંથી આરોપીઓએ બધાની નજર ચૂકવીને રૂા. 25,25,225ના સોનાના બિસ્કિટ, ડાયમન્ડવાળા દાગીના વગેરે મતાની ચોરી કરી હતી. ફરિયાદીને શંકા જતાં તેમની દુકાનના સીસીટીવીમાં આ શખ્સોના ફોટા આવી જતાં તેમણે તે ફોટા પોતાના ઓળખીતાઓને મોકલાવતાં આ શખ્સો ઇ.ડી.ના અધિકારી ન હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને બનાવની જાણ કરાતાં પોલીસે 10 ટીમો બનાવીને અમદાવાદ, ભુજ, ગાંધીધામમાંથી 12 શખ્સોને પકડી પાડયા હતા. આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં પોલીસવડા સાગર બાગમારએ જણાવ્યું હતું કે, ડી.સી.-પાંચ આદિપુરમાં રહેનારા ભરત શાંતિલાલ મોરવાડિયા (સોની)એ તેના મિત્ર દેવાયત વીસુ ખાચર (કાઠી) (રહે. મેઘપર બોરીચી)ને રાધિકા જ્વેલર્સમાં પાંચ-છ વર્ષ પહેલાં આઇ.ટી.ના દરોડા પડયા હતા ત્યાં પુષ્કળ દાગીના, રોકડ રકમ મળી હતી. તેના માલિક પાસે 100 કરોડથી વધારેની મિલકત હોવાનું જણાવ્યું હતું. દેવાયત ખાચરે આ માહિતી ભુજના કચ્છ મશાલ વિકલી ન્યૂઝના પત્રકાર તથા વ્હીલચેર ક્રિકેટ એસો. ગુજરાતના ડાયરેક્ટર એવા અબ્દુલસતાર ઇશાક માંજોઠીને માહિતી આપી હતી. માંજોઠી સામે ભૂતકાળમાં હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયેલા છે. અબ્દુલે પોતાના મળતિયા હિતેશ ઠક્કર, વિનોદ ચૂડાસમાને વાત કરી હતી અને ઇ.ડી.ની રેઇડ કરવાનું પ્લાનિંગ આ શખ્સે કર્યું હતું. બાદમાં આ ચારેય શખ્સો બનાવના પંદરેક દિવસ પહેલાં આદિપુર બસસ્ટેન્ડ સામે રજવાડી ચાની હોટલે મળી દરોડાનું કાવતરું ઘડયું હતું. વિનોદે અમદાવાદ આશિષ મિશ્રાને સંપર્ક કરી દરોડાની ટિપ્સ આપી હતી. આશિષે પોતાના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી અજય દુબે, અમિત મહેતા, નિશા મહેતા, વિપિન શર્મા અને ઇ.ડી.ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ડી.આર.એમ. ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરનાર શૈલેન્દ્ર દેસાઇને તૈયાર કરાયો હતો. કાવતરા પ્રમાણે ત્રણ લોકો સૂટ પહેરી મહિલાઓની તપાસ માટે નિશા મહેતાને તૈયાર કરાઇ હતી. અમદાવાદથી આ ટોળકી વાહનોમાં ગાંધીધામ આવી બસસ્ટેન્ડ પાસે ઊભી રહી હતી અને સ્થાનિક શખ્સોનો સંકેત મળતાં જ્વેલર્સ પેઢીમાં દરોડો પાડવા આવ્યા હતા. પોલીસવડાએ કહ્યું હતું કે, આ ટોળકીને પકડી પાડવા જુદી જુદી 10 ટીમો બનાવી જુદા જુદા સીસીટીવીના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ ટોળકી પાસેથી 100 ગ્રામનું બિસ્કિટ, લેડીઝ બ્રેસ્લેટ નંગ-6, ઇ.ડી.નું નકલી ઓળખપત્ર, 13 મોબાઇલ, કાર નંબર જી.જે.-01-આર.એલ.-8025, જી.જે.-12- એફ.બી.-5251, જી.જે.-12- બી.આર.-8081, જી.જે.-12- ડી.ડી.-3776 એમ કુલ રૂા. 45,82,609નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઇ.ડી.ના અધિકારી બનેલા શૈલેન્દ્ર દેસાઇએ ગૂગલમાં ઇ.ડી. સર્ચ કરી તેમાં અધિકારી તરીકે અંકિત તિવારીનું નામ આવતાં આ ટોળકીએ અંકિત તિવારીનું ખોટું ઓળખકાર્ડ બનાવ્યું હતું. આ કાંડના વિપિન શર્માને પકડી પાડવા કવાયત હાથ ધરાઇ છે. પકડાયેલા અમુક શખ્સોને મામલતદાર સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરાયા હતા.
તમામને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઇ. એન. એન. ચૂડાસમા, એ-ડિવિઝનના પી.આઇ. એમ.ડી. ચૌધરી તેમજ ફોજદારો એમ. વી. જાડેજા, એમ. એચ. જાડેજા, એસ. વી. ડાંગર અને સ્ટાફના 32 લોકો જોડાયા હતા.
નકલી ઇડીના કેસના આરોપીઓ : ભરત શાંતિલાલ મોરવાડિયા (સોની) (રહે.ડીસી-પાંચ, આદિપુર) દેવાયત વીસુ ખાચર (કાઠી) (રહે. સાંઇનાથ સોસા., મેઘપર બોરીચી) અબ્દુલસતાર ઇશાક માંજોઠી (રહે. રોયલ સિટી, ભુજ) હિતેશ ચત્રભુજ ઠક્કર (રહે. ઘનશ્યામ સિટી એપા., કબીર બાગ સામે, ભુજ) ઇયુઝીન અગસ્ટીન ડેવિડ?(ક્રિશ્ચિયન) (રહે. મારુતિનગર, મેઘપર બોરીચી) આશિષ રાજેશ મિશ્રા (રહે. અમદાવાદ) ચંદ્રરાજ મોહન નાયર (રહે. ચાંદખેડા, અમદાવાદ) અજય જગન્નાથ દુબે (રહે. સાબરમતી, અમદાવાદ) અમિત કિશોર મહેતા (રહે. ચાંદખેડા, અમદાવાદ) શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઇ (રહે. રામદેવનગર, અમદાવાદ) નિશા અમિત કિશોર મહેતા (રહે. અમદાવાદ) વિપિન શર્મા (રહે. અમદાવાદ)