KUTCH ઈન્દ્રા બોરવેલમાં જ ચિરનિદ્રા પોઢી ગઈ, નીકળી કેવળ લાશઃ આત્મહત્યા કે ક્રૂર હત્યા..?

KUTCH ઈન્દ્રાનું એક ફૂટ પહોળા બોરવેલમાં ખાબકીને થયેલું અપમૃત્યુ પોલીસ તંત્ર માટે રહસ્યરૂપ બની રહ્યું છે.

KUTCH ભુજના કંઢેરાઈ ગામ અને ચુબડક ગામના સીમાડે આવેલી વાડીના બોરમાં પડી ગયેલી ૨૨ વર્ષિય ઈન્દ્રા કાનાભાઈ મીણાનો ભારે જહેમતના અંતે ૩૪ કલાકે મૃતદેહ બહાર નીકળ્યો છે. સોમવારે પરોઢે સાડા પાંચના અરસામાં બોરવેલમાં ખાબકેલી ઈન્દ્રાને ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફની ટીમોએ આજે ઢળતી બપોરે ચારેક વાગ્યાના અરસામાં બહાર કાઢી ત્યારે કેવળ તેની ડૅડબૉડી જ નીકળી હતી, કોડભરી ઈન્દ્રા કાયમ માટે ચિરનિદ્રામાં પોઢી ગઈ હતી.

KUTCH ગત સવારથી જ જેમ જેમ ઘડિયાળના કાંટા આગળ વધતાં હતા તેમ તેમ તેના આયુષ્યની સંભાવના ઘટતી જતી હતી. સરકારી અધિકારીઓ અને તંત્રો એકપણ પળ માટે વિરામ લીધા વગર અવિરત તેને બહાર કાઢવાની મથામણમાં વ્યસ્ત રહ્યાં હતાં.

KUTCH જે બોરમાંથી લાશ મળી તે વર્ષોથી સજ્જડ રીતે બંધ હતો

KUTCH મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની એવી પાતળા બાંધાની ઈન્દ્રાનું એક ફૂટ પહોળા બોરવેલમાં ખાબકીને થયેલું અપમૃત્યુ પોલીસ તંત્ર માટે રહસ્યરૂપ બની રહ્યું છે. શંકાનું સૌથી મુખ્ય કારણ એ છે કે જે પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં ઈન્દ્રા ખાબકી તે બોરના મુખ પર લોખંડનું મજબૂત તગારું ઊંધુ રાખી, તેના ઉપર ભારેખમ ચાર પથ્થરો મૂકીને તથા ઉપર કાંટાળા ઝાડી ઝાંખરા નાખીને વર્ષોથી બંધ કરી દેવાયો હતો. શું આપઘાત કરવા માટે ઈન્દ્રાએ આ બોરના મુખને ખૂલ્લું કરીને અંદર પડતું મૂક્યું હશે? આપઘાત જ કર્યો હોય તો ખરેખર શું કારણ છે?

KUTCH અમુક શકમંદોને ઉપાડી LCB કરી રહી છે પૂછતાછ

KUTCH શું કોઈએ ઈન્દ્રાને મારી નાખવાના હેતુથી જીવતી બોરમાં નાખી દીધી હશે? આશંકા અનેક ઉઠી રહી છે. ‘બચાવો બચાવો’ની બૂમો સાંભળ્યા બાદ તે બોરમાં પડી હોવાની ખબર પડી તેવું તેના પિતરાઈ ભાઈનું નિવેદન છે. જો કે, થોડાંક સમય બાદ સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓને બોરમાં કોઈ હિલચાલ કે અવાજ જોવા સાંભળવા મળ્યા નહોતા. પધ્ધર પોલીસ ઈન્સપેક્ટર એ.જી. પરમારે જણાવ્યું કે બનાવ અંગે અમે આકસ્મિક મૃત્યુની નોંધ પાડી મૃત્યુનું ખરું કારણ શું છે તે જાણવા માટે ઈન્દ્રાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર મેડિકલ કોલેજ ખાતે રવાના કર્યો છે. બીજી તરફ, લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઈન્દ્રાની અકાળે ચિરનિદ્રાનો ભીતરી ભેદ ઉકેલવા અમુક શકમંદોને સાંજથી ઉપાડીને વિવિધ મુદ્દે ગહન પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *