Karnataka CM : કર્ણાટકમાં મુખ્યમંત્રીને પદને લઈ હવે ચાર દિવસને અંતે કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક સરકારની રચના માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છે. વિગતો મુજબ શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુમાં યોજાશે.
બેંગલુરુમાં આજે કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ની બેઠક આજે (18 મે) સાંજે 7 વાગ્યે બોલાવવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના કેન્દ્રીય નિરીક્ષકોને CLP બેઠક માટે બેંગલુરુ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા બુધવારે કોંગ્રેસના કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, આગામી મુખ્યમંત્રી આજે કે કાલે નક્કી કરવામાં આવશે અને 72 કલાકમાં નવી કેબિનેટની રચના કરવામાં આવશે.
Karnataka CM : હાઈકમાન્ડ સાથે CM પદના દાવેદારોની લાંબી બેઠકો
બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુખ્યમંત્રી પદના દાવેદારોની લાંબી બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે ચર્ચાના અનેક રાઉન્ડ થયા. બેઠકમાં સર્વસંમતિ બનાવવા માટે ડીકે શિવકુમારને પણ બેસાડવામાં આવ્યા હતા. અગાઉના દિવસે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને સામાન્ય સમજૂતીના અહેવાલો હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે,બેંગલુરુમાં શપથગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ સાંજ સુધીમાં પાર્ટીએ આ વાતને નકારી કાઢી હતી અને કહેવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં હજુ 2-3 સમય લાગશે. હવે મોડી રાત્રે સમાચાર આવ્યા છે કે, આગામી મુખ્યમંત્રી પર સર્વસંમતિ સધાઈ છે.
Karnataka CM : તો શું પહેલા અઢી ફોર્મ્યુલાની ચર્ચા થઈ હતી ?
વિગતો મુજબ દિવસભરની લાંબી કવાયત બાદ પાર્ટીમાં અઢી વર્ષની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી. ડીકે શિવકુમારે પણ આ અંગે શરત વ્યક્ત કરી હતી. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમારે કહ્યું હતું કે, જો સામાન્ય સમજૂતી હોય તો પણ પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ મને અને બીજો સિદ્ધારમૈયાને મળવો જોઈએ. ડીકે શિવકુમારે કહ્યું કે, મને પ્રથમ કાર્યકાળ આપવામાં આવે નહીંતર મારે કંઈ જોઈતું નથી. એ પરિસ્થિતિમાં પણ હું મૌન રહીશ. આ સાથે ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ પદ માટે પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આ તરફ ડીકે શિવકુમાર બુધવારે ફરી એકવાર મલ્લિકાર્જુન ખડગેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીકે પોતાની સ્થિતિથી પીછેહઠ કરવા તૈયાર ન હતા અને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારી રહ્યા ન હતા. બાદમાં પાર્ટી હાઈકમાન્ડે વાત કરી અને તેમને વિશ્વાસમાં લીધા. પાર્ટી હાઈકમાન્ડનું માનવું હતું કે, સિદ્ધારમૈયા કે ડીકે એકલા શપથ લઈ શકશે નહીં. ચૂંટણીમાં જીત સામૂહિક નેતૃત્વને કારણે છે અને ટોચની નેતાગીરી કોઈપણ કિંમતે વન-મેન શો ઈચ્છતી ન હતી.
Karnataka CM : CM પદના બંને દાવેદારોએ મીડિયામાં નિવેદન આપવાનું ટાળ્યું
આ તરફ મુખ્યમંત્રી પદના બંને દાવેદાર ડી કે શિવકુમાર અને સિદ્ધારમૈયાબે દિવસથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધામા નાખ્યા હતા. જોકે આ દરમિયાન બંને નેતાઓએ મીડિયા સમક્ષ એવું કોઈ નિવેદન અથવા પ્રસ્તાવ આપવાનું ટાળ્યું હતું, જેના કારણે પાર્ટીને અસ્વસ્થ પરિસ્થિતિનો સામનો કરવો પડે.
http://www.crimekingnews.com
Karnataka CM : કર્ણાટકમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી
નોંધનીય છે કે, 10 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત જીત મેળવી છે. પાર્ટીએ 224માંથી 135 સીટો પર જીત મેળવી છે. ભાજપને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. બીજેપી 66 સીટો સાથે બીજા ક્રમે છે. જ્યારે જેડીએસને માત્ર 19 સીટો મળી છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને કોંગ્રેસમાં કવાયત તેજ થઈ ગઈ હતી.