જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવેલા પરીક્ષાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસ્કો પડ્યો છે. પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉમેદવારો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. હાઈવે પર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષારદ્દ થતાં ઉમેદવારોમાં જોવા મળતા આક્રોશને લઈને પરીક્ષા રદ્દને કારણે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જણાવી દઈએ કે હાલ સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આદેશો કરાયા છે. હાલનો માહોલ જોતાં એડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કમિશનરોને એમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે એ માટે આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ સ્થાનિક સ્વરે પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કર્યો. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો અનેખાસ કરીને પરિવહન સ્થળો પર વધારાનો બંદોબસ્ત ગોઠવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
ભાવનગર, પાલીતાણા સહિતના જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલા ઉમેદવારોએ સાથેની વાતચીતમાં સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ઉમેદવારોએ કહ્યું, ‘સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.
ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો
સરકારની વાતોથી વિદ્યાર્થીઓ હાલ સંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું નથી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક બસ સ્ટેન્ડ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ST બસ સ્ટેન્ડ પર જ કેટલાક ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા હોય તેવી ઘટના પણ સામે આવી છે.
આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
કયારે-કઈ પરીક્ષાના પેપર ફૂટ્યા?
2014- રેવન્યુ તલાટીની ભરતી
2014- ચીફ ઓફિસર
2015- તલાટીની પરીક્ષા
2018- મુખ્ય સેવિકાની પરીક્ષા
2018- નાયબ ચિટનીસની પરીક્ષા
2018- લોક રક્ષક દળ
2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT
2019- બિન સચિવાલય ક્લાર્ક
2021- હેડ ક્લાર્ક
2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી
2021- સબ-ઓડિટર
2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું
2022- જૂનિયર કલાર્ક