ગુજરાતના જૂનાગઢમાં મંગળવારે ધોળા દિવસે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી. આ હત્યાનો આરોપ ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકી પર લાગ્યો છે. પોલીસે આરોપી હરેશની ધરપકડ કરી લીધી છે. હરેશે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી બોલાચાલી બાદ હત્યાનો બનાવ બન્યો હતો.
જૂનાગઢના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ ધારાનગર રોડ પર એક યુવકની જાહેરમાં હત્યા કરી દીધી હતી. થોડા દિવસ પહેલા થયેલા ઝઘડાનો બદલો લેવા હરેશે જયેશ પાતર પર છરી વડે હુમલો કર્યો હતો. આ અંગેની એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી છે, જેમાં ઘાયલ યુવક રસ્તા પર દોડતો જોવા મળે છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હરેશે થોડા સમય પહેલા થયેલી મારામારીના કારણે હત્યા કર્યાની કબૂલાત કરી છે, નવરાત્રિમાં ગરબા માટે હરેશ અને જયેશ ઉગતર પાતર વચ્ચે બોલાચાલી થઈ હતી, ગઈકાલે મોડી રાત્રે જયેશ પાતરને હરેશ જીવા સોલંકીએ કમર, હાથ અને પગ પર છરીથી વાર કર્યો હતો, જેના કારણે જયેશ લોહીલુહાણ થઈને રસ્તામાં પડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, જયેશની માતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભાજપ નેતાનો પુત્ર જ હત્યારો નીકળ્યો હતો, જયેશનું મોત ઘટનાસ્થળે નહીં, પરંતુ પેટના આંતરડાં બહાર આવવાને કારણે થયું. પોલીસે મોડી રાત્રે આરોપીને પકડીને તપાસ શરૂ કરી દીધી. શહેરમાં નવરાત્રિ પર્વ પર બનેલી આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.
આ જાહેર હત્યાએ પોલીસ પર પણ સવાલો ઉભા કર્યા છે, કારણ કે ગુજરાત પોલીસ દાવો કરી રહી છે કે નવરાત્રિ પર ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ કર્યા પછી પણ જો રસ્તા પર કોઈ વ્યક્તિની હત્યા થઈ રહી હોય અને તેને બચાવવા કોઈ પહોંચતું ન હોય તો ગુજરાત પોલીસ પર સવાલ ઊભો થવો સ્વાભાવિક છે.