Janmashtami : શામળાજીમાં ભગવાન શામળિયાને 15 કિલો સોનાનો શણગાર, દ્વારકામાં ભક્તિનો મહાસાગર, ડાકોરમાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી
Janmashtami : વહેલી સવારથી જ ગુજરાતના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો, ખાસ કરીને દ્વારકા, ડાકોર અને શામળાજી, ભક્તિના રંગે રંગાઈ ગયા છે. મંદિરોમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ ગુંજી રહ્યા છે, અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા દર્શન માટેની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી કાળિયા ઠાકરના દર્શન સુગમતાથી થઈ શકે.
Janmashtami : આજે દેશ અને રાજ્યના દરેક કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ધુમ-ધામ ઉજવણી થઈ રહી છે..ત્યારે પર કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા છે..વહેલી સવારે 6 વાગ્યા ભગવાન દ્વારકાધીશને મંગળા આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા દરમિયાન મંગળા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. દ્વારકા મંદિરમાં દર્શનના સમય પર નજર કરીએ તો સવારે 10 થી 10:15 વાગ્યે સ્નાન ભોગ માટે દર્શન બંધ રહ્યું અને ત્યારબાદ સવારે 10:15થી 10:30 વાગ્યા સુધી દર્શન ફરી શરૂ થયા. શૃંગાર ભોગ માટે સવારે 10:30થી 10:45 વાગ્યે દર્શન બંધ રહ્યા.

Janmashtami :ખેડાના ડાકોરમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી
ખેડાના ડાકોરમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી માટે ભક્તો ઉમટ્યા છે. ડાકોરમાં ઉત્સવનો માહોલ છવાયો છે. ડાકોર મંદિરમાં મંદિરને ફૂલો અને રોશનીથી વિશેષ શણગાર કરાયો છે, ડાકોર મંદિરમાં સવારે 6:45 કલાકે મંગળા આરતી ઉતારવામાં આવી. ત્યાર બાદ દર્શન માટે મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા, બપોરે 1 કલાકે ડાકોર મંદિર દર્શન માટે બંધ રહેશે. ત્યાર બાદ સાંજે 4:45 કલાકે મંદિર દર્શન માટે ખુલશે. સાંજે 5 કલાકે ઉત્થાપન આરતી થશે.
Janmashtami :શામળાજીમાં ભગવાન શામળિયાને 15 કિલો સોનાનો શણગાર
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. આજના શુભ દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 15 કિલો સોનાના આભૂષણોનો અનોખો શણગાર કરવામાં આવ્યો છે.