ભચાઉ મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પ્રભુ પાર્શ્વનાથજીનો જન્મ કલ્યાણક ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો

ભચાઉ મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પ્રભુ પાર્શ્વનાથજીનો જન્મ કલ્યાણક ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો

જરૂરતમંદોને ઠંડીથી રક્ષણ માટે ધાબળાનું વિતરણ કરી મિષ્ટાન ભોજન પીરસાયું

ભચાઉ વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પોષી દશમ આરાધના અંતર્ગત પ્રભુ પાર્શ્વનાથજીનો જન્મ કલ્યાણક ૧૪ ડિસેમ્બર, રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક તથા ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો.

આ પાવન પ્રસંગે જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંતયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પંન્યાસ પ્રવર પરમ પૂજ્ય અનંતજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંતો આદિ ઠાણાની પાવન નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

સવારના ૭:૩૦ વાગ્યે ભગવાન પાર્શ્વનાથજીના જીવન પ્રસંગોને આધારે ગુરૂદેવશ્રી દ્વારા ભાવસભર વ્યાખ્યાન શ્રવણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારના ૧૦ વાગ્યે યોજાયેલી ધાર્મિક શિબિરમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૧:૩૦ વાગ્યે જિનાલયમાં ભોજનનો થાળ ધરાવવામાં આવ્યો હતો અને બપોરે ૧૨ વાગ્યે સામૂહિક એકાસણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંજે ૬:૩૦ વાગ્યે યોજાયેલી સંધ્યા ભક્તિમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ અવસરે લાભાર્થી પરિવારના સૌજન્યથી જરૂરતમંદોને ઠંડીથી રક્ષણ મેળવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તેમને મિષ્ટાન ભોજન પીરસવામાં આવ્યું હતું. આ સેવા કાર્યની પરમ પૂજ્ય અનંતચારિત્ર વિજયજી મહારાજ સાહેબે હર્ષભેર અનુમોદના કરી હતી.

આ માહિતી માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહ દ્વારા આપવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *