ISRO : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તાજેતરની સૌર વિસ્ફોટની ઘટનાને અવકાશમાં ત્રણ અલગ-અલગ સ્થળે કેપ્ચર કરી છે. આ ત્રણ લોકેશનમાં એક છે- પૃથ્વી, પૃથ્વી અને સૂર્યની વચ્ચેનો L1 પોઈન્ટ અને ચંદ્ર. આ સૌર ઘટનાને સોલર સ્ટોર્મ પણ કહેવામાં આવે છે.
ISRO : આ સોલર સ્ટોર્મના તમામ સિગ્નેચર્સને રેકોર્ડ કરવા માટે ઈસરોએ તેનાં તમામ અવલોકન પ્લેટફોર્મ અને પ્રણાલીઓ તહેનાત કરી હતી. શનિવારે પૃથ્વી પર સોલર સ્ટોર્મની અસર જોવા મળી હતી. આદિત્ય L1 અવકાશયાન અને ચંદ્રયાન-2એ આ ઘટનાનાં અવલોકનો રેકોર્ડ કર્યાં અને એની હિલચાલનું વિશ્લેષણ કર્યું.
ઈસરોના આ અવલોકનને નાસા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. બીજી તરફ, NOAAના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરે પણ 14 મે, 2024ના રોજ સૂર્યમાંથી નીકળતી ખતરનાક સૌર તરંગોનું અવલોકન કર્યું હતું. આવી લહેર છેલ્લી અડધી સદીમાં આવી ન હતી. આ કારણે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ થઈ શકે છે. ખાસ કરીને મેક્સિકો વિસ્તારમાં.
ચાર દિવસમાં ત્રણ મોટા ધડાકા
11થી 14 મેની વચ્ચે સૂર્યમાં ચાર મોટા વિસ્ફોટ થયા. મોટે ભાગે એક જ સ્થળ પરથી. એના કારણે આ સપ્તાહના અંતે ભયંકર સૌર વાવાઝોડું આવ્યું. સૂર્યમાં હજુ પણ વિસ્ફોટ થઈ રહ્યા છે. 10 મે, 2024ના રોજ સૂર્યમાં એક એક્ટિવ ધબ્બો દેખાયો. એને AR3664 નામ આપવામાં આવ્યું હતું. એમાં જોરદાર વિસ્ફોટ થયો. સૂર્યની એક લહેર ઝડપથી પૃથ્વી તરફ આવી. આ X5.8 વર્ગનો સૌર તરંગ હતો.
આ તીવ્ર સૌર તરંગને કારણે પૃથ્વીના સૂર્યની સામેના ભાગમાં હાઇ ફ્રિકવન્સી રેડિયો સિગ્નલો સમાપ્ત થઈ રહ્યાં છે. આ સમયે સૂર્ય પર જ્યાં એક મોટો સનસ્પોટ રચાયો છે એ જગ્યા પૃથ્વીની પહોળાઈ કરતાં 17 ગણી વધારે છે. સૂર્યની તીવ્ર સૌર તરંગોને કારણે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પ્રદેશનું વાતાવરણ સુપરચાર્જ થઈ ગયું, જેના કારણે સમગ્ર ઉત્તરી ગોળાર્ધમાં ઘણી જગ્યાએ નોર્ધન લાઈટ્સ જોવા મળી હતી.
બે દાયકામાં સૌથી શક્તિશાળી સૌર તોફાન
ઈસરોના જણાવ્યા અનુસાર, આ 2003 પછીનું સૌથી શક્તિશાળી જિયોમેગ્નેટિક તોફાન હતું. આ સમયગાળા દરમિયાન સૂર્ય પર જ્વાળાઓનો વિસ્તાર 1859ની કેરિંગ્ટન ઘટના કરતાં મોટો હતો. તેના નિવેદનમાં ISROએ જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસોમાં X ક્લાસની ઘણી સૌર જ્વાળાઓ અને કોરોનલ માસ ઇજેક્શન (CMEs) પૃથ્વી પર ત્રાટક્યા છે. ઉચ્ચ અક્ષાંશ વિસ્તારોમાં આની મજબૂત અસર પડી છે. આવી ઘટનાઓ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે.
આ સોલર ઈવેન્ટને કારણે યુરોપથી અમેરિકા સુધી નોર્ધન લાઈટ્સ દેખાઈ
આઇનોસ્ફિયર 80થી 600 કિમીની વચ્ચે આવેલું છે, જ્યાં અત્યંત અલ્ટ્રાવાયોલેટ અને એક્સ-રેવાળા સોલર રેડિયેશન એટમ અને મોલિક્યુલમાં આયનીકરણ કરે છે. આ સ્તર રેડિયો તરંગોને પ્રતિબિંબિત કરવા અને સંશોધિત કરવાનું કામ કરે છે, જેના દ્વારા સંચાર અને નેવિગેશન થાય છે.
જ્યારે સૌર વાવાઝોડામાં હાજર ચાર્જ્ડ કણો પૃથ્વીના વાતાવરણમાં હાજર ઓક્સિજન અને નાઇટ્રોજન કણો સાથે અથડાય છે, ત્યારે તેઓ લાઈટ ફોટોન રિલીઝ થાય છે. લાઈટ ફોટોનનો અર્થ પ્રકાશ છે અને આ પ્રકાશ તરંગલંબાઇનો છે, જે આંખોને દેખાય છે. આ પ્રકાશ નોર્ધન લાઇટ તરીકે દેખાય છે. એ પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં દેખાય છે, તેથી એને નોર્ધન લાઇટ્સ નામ આપવામાં આવ્યું છે.