ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આવતા વર્ષે 23 માર્ચથી શરૂ થશે. આ માટે 19 ડિસેમ્બરે 10 ટીમો ખેલાડીઓની ખરીદી કરશે. IPL ઓક્શન આવતી કાલે મંગળવાર એટલે કે 19 ડિસેમ્બરે બપોરે 1:00 વાગ્યે શરૂ થશે અને આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં 333 ખેલાડી પર બોલી લાગશે પણ વધુમાં વધુ 77 ખેલાડી જ ખરીદી શકાશે, તેમાંથી 30 સ્લોટ તો વિદેશી ખેલાડીઓ માટે છે.
આ વખતની હરાજીમાં 10 ટીમ પાસે 262.95 કરોડ રૂપિયા બાકી છે. આ પૈકી ગુજરાત, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈ રૂ. 30 કરોડથી વધુની હરાજીમાં ઊતરશે. એવું અનુમાન છે કે આ ટીમોમાંથી એકમાં IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ સામેલ થઈ શકે છે, જેની કિંમત 20 કરોડ રૂપિયાને પાર થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડના લેફટિં બેટિંગ ઓલરાઉન્ડર રચિન રવીન્દ્રએ વનડે વર્લ્ડ કપમાં પ્રભાવિત કર્યા. તેણે 3 સદીની મદદથી 578 રન બનાવ્યા હતા. 24 વર્ષીય રચિને ભારતમાં સ્પિન અને પેસ બંને સામે 64.22ની એવરેજથી ઘણા રન બનાવ્યા હતા. રચિને ન્યુઝીલેન્ડ માટે 18 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં લગભગ 118ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તે પ્રથમ વખત IPL ઓક્શનમાં ઉતરશે.રચિનનું નામ હરાજીના સેટ-2માં છે. કિવી ઓલરાઉન્ડરે પોતાની બેઝ પ્રાઈસ માત્ર 50 લાખ રૂપિયા રાખી છે. IPLમાં તમામ ટીમોને ઓલરાઉન્ડરોની જરૂર છે. ગુજરાત, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઈ, પંજાબ અને દિલ્હી પાસે રૂ. 29 કરોડથી વધુનું ભંડોળ છે. આમાંથી કોઈપણ ટીમ રચીનને ખરીદી શકે છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં 137 રન બનાવીને ભારત પાસેથી ટ્રોફી છીનવી લીધી હતી. તેણે ટૂર્નામેન્ટની માત્ર 6 મેચમાં 2 સદી ફટકારીને 329 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 127થી વધુ હતો. લેફ્ટ હેન્ડ બેટિંગની સાથે, તે હેડ રાઈટ આર્મ ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે.2023 ટી-20માં તેણે 146ના સ્ટ્રાઈક રેટથી 554 રન બનાવ્યા છે. તેણે 10 IPL મેચોમાં 138.51ના સ્ટ્રાઈક રેટથી 205 રન બનાવ્યા છે.હેડનું નામ હરાજીના સેટ-1માં છે. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. ઈંગ્લેન્ડનો સેમ કુરન આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. તેને ગત સિઝનમાં પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વર્ષે તેનો રેકોર્ડ તૂટી શકે છે.