IPL 2025 શરૂ થવાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આગામી સીઝન માર્ચ મહિનામાં શરૂ થશે, આ સિવાય 2026 અને 2027 માટે પણ ટૂર્નામેન્ટ શરૂ થવાની તારીખોની જાહેરાત થઈ ચુકી છે.
હાલમાં IPL 2025 મેગા ઓક્શનનો રોમાંચ ચરમ પર છે, દરમિયાના આઈપીએલ 2025 શરૂ થવાની તારીખો સામે આવી ગઈ છે. એક અહેવાલ અનુસાર, આગામી ત્રણ સીઝનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 2025 સીઝન 14 માર્ચથી 25 મે સુધી રમવામાં આવશે, તેની આગામી સીઝન 15 માર્ચે શરૂ થશે અને ફાઈનલ 31 મેએ રમવામાં આવશે. આ સિવાય આઈપીએલ 2027ની તારીખ પણ સામે આવી ગઈ છે, જે 14 માર્ચથી શરૂ થઈને 31 મે સુધી ચાલશે.
એક અહેવાલ અનુસાર, તમામ ફ્રેન્ચાઇઝીને ઈ-મેલ દ્વારા આગામી ત્રણ સીઝન શરૂ થવાની તારીખોની જાણકારી આપવામાં આવી. ખૂબ જ જલ્દી આ તારીખો પર અધિકૃત રીતે પુષ્ટિ કરવામાં આવી શકે છે. આઈપીએલ 2025 સીઝનમાં છેલ્લી ત્રણ સીઝનનો જેમ કુલ 74 મેચ રમવામાં આવશે. આગામી સીઝનમાં આના કરતા મેચની સંખ્યા વધારવામાં આવી શકે છે. આઈપીએલ 2026માં 84 મેચ અને 2027ની સીઝનમાં મેચની સંખ્યા વધારીને 94 કરવામાં આવી શકે છે. મેચની સંખ્યા વધારવાનું કારણ મીડિયા રાઈટ્સ હોઈ શકે છે. IPL 2024 ની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થઈને 26 મે સુધી ચાલી હતી, જેની ફાઈનલમાં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ માટે સારા સમાચાર એ છે કે લગભગ તમામ ફૂલ ICC સભ્ય દેશોએ આગામી ત્રણ સીઝન માટે તેમના ખેલાડીઓને IPLમાં રમવાની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે 2025ની મેગા ઓક્શન પહેલા BCCIએ એક નવી રૂલ બુક બહાર પાડી હતી. આ અંતર્ગત જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શનનો ભાગ નહીં બને તો તે આગામી બે સીઝન રમી શકશે નહીં. બીજી તરફ, જો કોઈ વિદેશી ખેલાડી ઓકશનમાં ખરીદાયા બાદ પોતાનું નામ પાછું લે છે તો તેને બે વર્ષનો પ્રતિબંધ ભોગવવાની સજાની જોગવાઈ છે.