ફાઈલ ફોટો
Indonesia Boat Sinking News: ન્યૂઝ એજન્સી અનુસાર આ ઘટના શુક્રવારે (28 એપ્રિલ) વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ જૂથો પાસે બની, સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ
દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયાથી એક મોટા અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહી 78 લોકોને લઈને જતી એક સ્પીડબોટ ડૂબી ગઈ હતી. અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. એક ન્યૂઝ એજન્સી અનુસાર આ ઘટના શુક્રવારે (28 એપ્રિલ) વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ જૂથો પાસે બની હતી. સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ હતી.
ઈન્ડોનેશિયામાં આ ઘટના બાદ પેકનબારુ સર્ચ અને રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. એજન્સી ચીફ ન્યોમન સિધાકાર્યએ જણાવ્યું કે 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે દુર્ઘટનાનો ભોગ બનેલા મોટા ભાગના મહિલાઓ અને બાળકો છે. ન્યોમન સિદ્ધકાર્યના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ અત્યાર સુધીમાં 58 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમના સિવાય પણ ઘણા લોકો કલાકો સુધી પાણીમાં તણાઈને બેહોશ થઈ ગયા હતા. હજુ પણ ઘણા લોકોની શોધ ચાલુ છે.
સ્થાનિક ટેલિવિઝન ફૂટેજમાં લોકો ફિશિંગ બોટમાં ડૂબી ગયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થળ પર ઘણા ડાઇવર્સ લોકોને બચાવવા માટે પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ડૂબતી સ્પીડબોટનું નામ એવલિન કેલિસ્ટા 01 જણાવવામાં આવી રહ્યું છે. જેમાં મોટાભાગના મુસાફરો પરિવાર સાથે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.
સ્થાનિક પોલીસ વડા નોરહાયતે જણાવ્યું હતું કે સ્પીડબોટ ડૂબી જવાના કારણની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક બચી ગયેલા લોકોએ સત્તાવાળાઓને જણાવ્યું કે જોરદાર પવનને કારણે સ્પીડબોટ એક મોટા લોગ સાથે અથડાયા બાદ અચાનક પલટી ગઈ હતી. જણાવી દઈએ કે, ઈન્ડોનેશિયામાં બોટ અકસ્માતો અવારનવાર થાય છે. તેનું કારણ એ છે કે આ દેશ 17,000 થી વધુ ટાપુઓ પર વસે છે. અહીં ફેરી સર્વિસ, બોટ અને જહાજનો સામાન્ય રીતે પરિવહન તરીકે ઉપયોગ થાય છે.