પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે 105મી જન્મજયંતિ છે. આ પ્રસંગે ભારત જોડો યાત્રા દરમિયાન આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે માત્ર મહિલાઓ જ જશે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ જાણકારી આપી છે.
ઈન્દિરા ગાંધીની જન્મજયંતિના અવસર પર પીએમ મોદી, રાહુલ ગાંધી સહિત ઘણા રાજનેતાઓએ તેમને યાદ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણા પૂર્વ પીએમ શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શત શત વંદન. ત્યારે બીજી તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓ પગપાળા યાત્રામાં ભાગ લે તેવી અપેક્ષા છે.
ઈન્દિરા ગાંધી જયંતિ પર મહિલા શક્તિ દર્શાવવામાં આવશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા શનિવારે મહારાષ્ટ્ર તબક્કાના 13મા દિવસે પણ ચાલુ રહી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે. આજે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આ યાત્રામાં માત્ર મહિલાઓ જ રાહુલ ગાંધીનો સાથ આપશે. આમ કરીને સ્ત્રી શક્તિને દર્શાવવામાં આવશે. આ યાત્રામાં કોંગ્રેસ અને પાર્ટી સાથે જોડાયેલી શાખાઓની મહિલાઓને સામેલ થશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રથી લઈને દેશના અન્ય ઘણા ભાગોમાંથી પાર્ટીની મહિલાઓ આ મહિલા શક્તિ યાત્રામાં સામેલ થશે. આમ કરીને પાર્ટી ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે.
પાર્ટીએ માહિતી આપી હતી કે સ્વ-સહાય જૂથો (SHG)ની મહિલાઓ અને મહિલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વર્ગીય પીએમ ઈન્દિરા ગાંધીની જન્મજયંતિના અવસર પર આ યાત્રામાં જોડાશે. દરમિયાન રસ્તામાં રાહુલ ગાંધીએ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી જ્યારે તેઓ તેમની સાથે ચાલી રહ્યા હતા.
મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે ભારત જોડો યાત્રા
ઉલ્લેખનીય છે કે આ પદયાત્રા 7 નવેમ્બરના રોજ તેલંગાણાથી મહારાષ્ટ્ર પહોંચી હતી અને તેણે નાંદેડ, હિંગોલી, વાશિમ, અકોલા અને બુલઢાણા જિલ્લાઓને આવરી લીધા હતા, જેમાં 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
યાત્રામાં સામેલ થયેલા લોકોએ બુલઢાણા જિલ્લાના શેગાંવ ખાતેના ગજાનન દાદા પાટીલ માર્કેટ યાર્ડથી સવારે 6 વાગે યાત્રા શરૂ કરી અને જલંબ જવા માટે રવાના થયા. આ પદયાત્રા ભસ્તાનમાંથી પસાર થશે અને જિલ્લાના જલગાંવ જામોદ શહેરમાં રાત્રિ રોકાણ કરશે.