નાગપુર ટી-20માં ભારતની શાનદાર જીત બાદ દિનેશ કાર્તિકની ચર્ચા થઇ રહી છે. અંતિમ સમયમાં આવીને માત્ર 2 બોલમાં 10 રનની આક્રમક રમત રમનારા દિનેશ કાર્તિકે ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યુ હતુ. શું તમે જાણો છો કે દિનેશ કાર્તિક પહેલા ટીમ રિષભ પંતને મોકલવા પર વિચાર કરી રહી હતી. જી હાં, તેનો ખુલાસો મેચ બાદ ખુદ કેપ્ટન રોહિત શર્માએ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે વરસાદથી પ્રભાવિત આ મેચ 8 ઓવરની રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 90 રન બનાવ્યા હતા, ભઆરતે આ સ્કોરને 6 વિકેટ અને 4 બોલ બાકી રહેતા મેળવીને ત્રણ મેચની ટી-20 સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી હતી.
રોહિત શર્માએ આ મુદ્દા પર મેચ બાદ કહ્યુ, અમે વિચારી રહ્યા હતા કે શું રિષભ પંતને મોકલવામાં આવી શકે છે, પણ મને લાગ્યુ કે સેમ્સ અંતિમ ઓવર નાખશે અને તે ઓફ કટર જ બોલિંગ કરે છે, માટે મે વિચાર્યુ કે દિનેશ કાર્તિકને જ અંદર આવવા દો. તે એમ પણ અમારી માટે તે (ફીનિશર)ની ભૂમિકા નીભાવી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે 8 ઓવરમાં 91 રનના પડકારનો પીછો કરતા દિનેશ કાર્તિકને બેટિંગ કરવાની તક ત્યારે મળી હતી જ્યારે સાતમી ઓવરના પાંચમા બોલ પર હાર્દિક પંડ્યા આઉટ થયો હતો. રોહિત શર્માએ સાતમી ઓવરના અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારીને મેચ ભારતના પક્ષમાં ઝુકાવી દીધી હતી. તે પછી દિનેશ કાર્તિકે ફીનિંશિંગ ટચ આપતા ડેનિયલ સેમ્સની અંતિમ ઓવરના પ્રથમ ધીમા બોલ પર બેકવર્ડ સ્કવેયર લેગની દિશામાં સિક્સર ફટકારી હતી અને આગળના બોલ પર 4 રન ફટકારી હતી. દિનેશ કાર્તિકે માત્ર 2 બોલમાં 10 રન બનાવીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. બીજા છેડા પર અણનમ 46 રન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા દિનેશ કાર્તિકની બેટિંગથી ખુશ જોવા મળ્યો હતો. સીરિઝની આગામી અને નિર્ણાયક મેચ હૈદરાબાદમાં 25 સપ્ટેમ્બરે રમાશે.