તુર્કીમાં આજે (7 ફેબ્રુઆરી) ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા છે. તુર્કીમાં 24 કલાકમાં ચોથી વખત ધરતી ધ્રૂજી છે. મંગળવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી છે. આ ધરતીકંપને કારણે ઈમારતો અને અન્ય માળખાને નજીવું નુકસાન થઈ શકે છે.
સોમવારના ભૂકંપે મચાવી તબાહી
તમને જણાવી દઈએ કે સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ભૂકંપના કારણે લગભગ 4,300 લોકોના મોત થયા છે. આ સિવાય હજારો લોકો લાપતા છે અને હજારો ઘાયલ પણ છે. અહીં દરેક જગ્યાએ કાટમાળ દેખાઈ રહ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તુર્કીમાં સોમવારથી અત્યાર સુધીમાં 4 ભૂકંપ આવ્યા છે. 24 કલાકમાં આવેલા ભૂકંપની તીવ્રતા અનુક્રમે 7.8, 7.6, 6.0 અને 5.6 નોંધવામાં આવી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો એક દાવો પણ સામે આવ્યો છે. WHOએ કહ્યું છે કે ભૂકંપના કારણે મૃત્યુઆંક 8 ગણો વધી શકે છે.
હજારો લોકો બેઘર બન્યા
ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં હજારો લોકો બેઘર બની ગયા છે. આ લોકોએ કાતિલ ઠંડીમાં આખી રાત ખુલ્લામાં વિતાવી છે. આ લોકોએ શોપિંગ મોલ, સ્ટેડિયમ, મસ્જિદ અને કોમ્યુનિટી સેન્ટરમાં આશ્રય લીધો છે. આ ખરાબ સમયમાં તુર્કીની મદદ માટે ભારત આગળ આવ્યું છે. ભારત સરકારે HADR (માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત) કામગીરી માટે NDRFની બે ટીમોને તુર્કી મોકલવાનો નિર્ણય કર્યો છે. એનડીઆરએફના ઓપરેશન્સ અને ટ્રેનિંગના ડીઆઈજી મોહસીન શાહિદીએ જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમોને બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે મોકલવામાં આવે છે.