વડાપ્રધાનના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિજીટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે -કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર મેડિકલ હોલ, વઢવાણ ખાતે ‘સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ઇવેન્ટ’ માં ઉપસ્થિત રહી ‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ડીકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય પર સી.યુ.શાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના મારફતે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા બદલાવ અને સરકારની કામગીરી વિશે જાણકારી આપી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. 

જેના પરિણામે આજે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. આગામી એક જ વર્ષમાં ભારતની ડિજિટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિજિટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી વધારે વિદેશી રોકાણ ધરાવતો દેશ બન્યો છે. 

આ ઉપરાંત, કોરોના કાળમાં અમેરિકા, યુરોપ જેવા દેશોમાં પણ શક્ય નહોતું બન્યું તે રીતે સુંદર વ્યવસ્થા કરી દેશના દરેક નાગરિકને રસી મળે તથા આ મહામારી દરમિયાન અને બાદમાં પણ દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તેની તકેદારી સરકારે રાખી છે. વર્ષ ૧૯૮૫માં સરકાર દ્વારા રૂ. ૧૦૦ આપવામાં આવતા ત્યારે લોકો સુધી માત્ર રૂ.૧૫ જ પહોંચતાં હતાં, જ્યારે આજે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગના કારણે દેશના ગરીબોને તેમને મળવાપાત્ર લાભો સમયસર અને સીધેસીધા તેના ખાતામાં ડીબીટી મારફતે મળી રહ્યા છે.

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે ડિજીટલ પેમેન્ટ, 5જીના ક્ષેત્રમાં ભારત વિશ્વભરમાં અગ્રેસર બની રહ્યું છે. મલ્ટીનેશનલ કંપનીઓના પ્લાન્ટ દ્વારા મોબાઈલ અને કાર મેન્યુફેક્ચરીંગ સહિતની ઘણી પ્રોડક્ટ્સની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, સ્પેસ, ડ્રોન ટેકનોલોજી અને ડિજીટલ ગવર્નન્સ & ડિજીટલ ઈકોનોમી, ડિફેન્સ ક્ષેત્રમાં ખુબ જ વિકાસ થયો છે એમ જણાવી મંત્રીએ ‘સારે જહાં સે અચ્છા ડિજીટલ ઈન્ડિયા હમારા’ સુત્ર આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *