ગુજરાતમાં દારૂબંધીની સખત અમલવારી છે તેવા સરકારના દાવાને પોકળ સાબિત કરતો વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. રાજકોટમાં પોલીસકર્મીએ જ દારૂ ઢીંચીને દંગલ કર્યું હતું. રાજકોમાં ખાખીને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. ગઈકાલે એક પોલીસકર્મી દ્વારા દારૂ પીને દુકાનો બંધ કરાવતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ ટ્રાફિક પોલીસ કર્મી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ચા પાનની દુકાનો બંધ કરાવવા નીકળ્યો હતો. આ પોલીસકર્મીએ ચિક્કાર દારૂ ઢીંચ્યો હતો કે ના તો તે વ્યવસ્થિત ચાલી શકતો હતો કે ન તો તે બોલી શકતો હતો. તેને કોઈ જ પ્રકારની ભાન હતી નહીં. ગત રોજ આ પોલીસકર્મીનો વિડિઓ વાઇરલ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને શખ્સને સકંજામાં લીધો હતો. પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ટ્રાફિક શાખામાં ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ નરભેરામ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.
આ વાઇરલ વિડિઓમાં સ્પષ્ટ નજર આવતું હતું કે તેણે પોલીસ લખેલું ટી શર્ટ પહેરીને રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી નીલકંઠ ટોકીઝ પાસે ચા અને પાનની દુકાને પહોંચીને લાકડી ઉપાડીને દુકાનદારોને ધમકી આપી દુકાનો બંધ કરવાનું કહેવા લાગ્યો હતો. જો કે નશામાં ધૂત આ ટ્રાફિક હેડ કોન્સ્ટેબલનો લોકોએ વિડિઓ ઉતાર્યો હતો અને વાઇરલ કર્યો હતો. આ વાઇરલ વિડિઓને કારણે સ્થાનિક પોલીસ દ્વારા નરભેરામ પટેલને પકડી પડ્યો હતો.