
ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10-12ની પરીક્ષાને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યુ કે 11 જાન્યુઆરીથી ધોરણ 10-12ની સ્કૂલો ખુલશે. માસ પ્રમોશન આપવાનો હાલ કોઇ વિચાર નથી, જેટલો અભ્યાસ થયો છે તેની પરીક્ષા લેવાશે. સ્કૂલ ચાલુ થાય તે દરમિયાન વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે શિક્ષણ મંત્રીએ કહ્યુ કે ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રહેશે.
કેન્દ્ર સરકારની SOPનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો
શિક્ષણ મંત્રીએ કહ્યુ કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્તિપત્ર આપવો પડશે.ધોરણ-9-10-11-12ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.
સ્કૂલ-કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે. વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનેટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી પડશે. વર્ગખંડોમાં થર્મલ ગનથી ચેકિંગ, સેનેટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.