Red alert : ભારતીય હવામાન વિભાગે આગામી એકથી બે દિવસ સુધી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દિલ્હીમાં આ સિઝનમાં પહેલીવાર ભારે વરસાદ થયો છે.
Red alert : હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાન સહિત પશ્ચિમ હિમાલયી ક્ષેત્રના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે આજથી 12 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.
Red alert : હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિમલા, સિરમૌર, લાહૌલ, સ્પિતિ, ચંબા અને સોલન જિલ્લામાં ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે માર્ગ વાહનવ્યવહાર પણ ઠપ થયો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 46 મકાનો સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે. આ વખતે ચોમાસા દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં રૂ. 365 કરોડના જાનમાલના નુકસાનનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશના સાત જિલ્લામાં રેડ એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Red alert :હવામાન વિભાગે ઉમેર્યું કે 15 જુલાઈ સુધી હળવો વરસાદ ચાલુ રહી શકે છે. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં ભારે વરસાદને કારણે આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.દિલ્હીમાં 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો છે, જે 1982 પછી જુલાઈમાં એક દિવસમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલા 25 જુલાઈ 1982ના રોજ દિલ્હીમાં 24 કલાકમાં 169.9 મીમી વરસાદ નોંધાયો હતો.
દિલ્હીમાં મુશળધાર વરસાદ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉપરાજ્યપાલ સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી. દરમિયાન, હરિયાણાના હથિની કુંડ ડેમમાંથી એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યા બાદ ગઈકાલે દિલ્હી સરકારે પૂરની ચેતવણી જારી કરી હતી.દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટકમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારો ડૂબી ગયા હતા. હવામાન વિભાગે કેરળના કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ સહિત ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં પણ આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.