રાજકોટમાં દિવસેને દિવસે વ્યજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજ વસૂલાતમાં વ્યાજખોરો લોકોને હેરાન પરેશાન કરી મૂકે છે અને વ્યાજ વસૂલવા ખોટા રસ્તાઓ અપનાવે છે. આવા જ વ્યાજખોરોથી ત્રસ્ત રાજકોટના સમગ્ર પરિવારે આત્મહત્યાની કોશિશ કરી. રાજકોટનાં સૌરાષ્ટ યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં વ્યાજના ધંધાર્થીઓની ધાક ધમકીથી કંટાળી પતિ, પત્ની અને પુત્રએ ઝેરી દવા પી કરેલા આપઘાતના પ્રયાસ અને સારવાર દરમિયાન યુવકના થયેલા મોત અંગે સમગ્ર સૌની સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મિલાપનગર શેરી નંબર 2માં રહેતા કિતીઈભાઇ હરકિશનભાઇ ધોળકીયા, તેમના પત્ની મયુરીબેન અને પુત્ર ધવલ ધોળકીયા વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સારવાર દરમિયાન ધવલ ધોળકીયાનું મોત નીપજ્યું છે.
ધવલ ધોળકીયાના મૃત્યુ પહેલાં પોલીસમાં લખાવેલી ફરિયાદમાં તેઓએ ધંધા માટે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પાસેથી ૧૦ લાખ, સાલીની સાડીવાળા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂા.૫૦ હજાર, ત્રિકોણબાગ નજીક બેસતા મહેબુબશા પાસેથી રૂા.૮ લાખ અને કેવડાવાડીના ધવલ સમીર મુંધવા પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હોવાથી તેઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ઢેબર રોડ પર આવેલી ધોળકીયા ઝેરોક્ષ નામની દુકાન લખાવી દેવા ધમકાવતા હોવાથી ઝેરી દવા પીધાનું જણાવ્યું હતું. દરમિયાન ધવલ ધોળકીયાનું સારવાર દરમિયાન મોત નીપજતા યુનિર્વસિટી પોલીસે ચારેય સામે આત્મહત્યાની ફજર પાડવા અંગેનો ગુનો નોંધ્યો હતો. વ્યાજખોરોની ધરપકડ ન થયા ત્યાં સુધી ધવલ ધોળકીયાનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.બી.જાડેજા, પી.એસ.આઇ. બી.વી.ઝાલા, ડી સ્ટાફના સિધ્ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા અને ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે કેવડાવાડીના ધવલ સમીર મુંધવાની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.