રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પત્નીએ સારી રસોઈ ન બનાવતા પતિએ પત્નીને તલવારના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને તલવારના ઘા ઝીંક્યા બાદ પતિ ખુદ પોલીસ સ્ટેશને તલવાર સાથે હાજર થયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મીવાડી ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પત્નીના હાથની રસોઈ ન ભાવતાં પત્નીને તલવારના ઘા ઝીંકી દીધા હોવાનું સામે આવ્યું છે. ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્નાબેન રાણીંગાને બપોરના સમયે પતિ કમલભાઈ રાણીંગા દ્વારા તલવારના ઘા ઝીંકી ઇજા પહોંચાડવામાં આવી હતી.
સમગ્ર મામલાની જાણ પાડોશીઓને થતાં પાડોશીઓ દ્વારા તાત્કાલિક અસરથી ક્રિષ્નાબેનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ક્રિષ્નાબેનનો પતિ તલવાર હાથમાં લઇ ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ ફરજ પર હાજર રહેલા અધિકારીઓને તેણે પોતાના ઘરે બનેલ ઘટનાક્રમ જણાવ્યો હતો.
થોડીક વાર માટે તો ફરજ પર હાજર રહેલા પોલીસ અધિકારીઓ પણ ક્રિષ્નાબેનના પતિ એ જણાવેલ વાત સાંભળી ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ ઘટનાની ખરાઈ કરવા માટે ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પણ દોડી ગયો હતો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ દોડી ગયો હતો. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ક્રિષ્નાબેન ના પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોનું માનીએ તો કમલ પોતે સોનીકામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર છે તે છેલ્લા કેટલાય સમયથી માનસિક બીમારીમાં સપડાયો હતો. તેમજ તેની દવા પણ ચાલુ હતી. ત્યારે સોમવારના રોજ બપોરે રસોઈના મુદ્દે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા કમલેશ ઘરમાં રહેલી તલવાર દ્વારા પત્નીને તલવારના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર મામલે પીડિતના ભાઈ અશોકભાઈ ભાલાએ પોલીસને જણાવ્યું છે કે, મારા બહેન અને બહેનોઇ વચ્ચે છેલ્લા બે મહિનાથી ઝઘડો ચાલતો હતો. ભાણેજ સોનુ લઈને જતો રહ્યો હતો ત્યારબાદ તે જવાબ આપતો ન હતો. જેના કારણે પણ ઝઘડો થતો હતો. બહેને મારા બનેવીને કહ્યું હતું કે ભાણેજને કહો કે તે સોનું પાછું આપે અથવા પૈસા પરત આપે.