મારો પહેલો પ્રેમ મારા પપ્પા …

મારો પહેલો પ્રેમ મારા પપ્પા

પપ્પા સાચું કહું તમે મારી દરેક ઈચ્છા પૂરી કરી છે. એક ઈચ્છા હજુ પણ છે પૂરી કરશો .. મારે આપની સાથે દીકરી બની ને નહીં દીકરો બની ને રહવું છે .. પરવાનગી આપશો પપ્પા .?!!

દીકરી બની ને પણ ખુબજ વ્હાલ અને પ્રેમ પામ્યા છે આપની પાસે થી .. પણ મન થોડું સ્વાર્થી થયું છે પપ્પા ..જો દીકરો હોઉ તો આપની સાથે કાયમ રેહવા મળે ને પપ્પા …

એક નાનકડું ખાબોચિયું છું આપની સામે .. તો પણ દરિયા જેટલા વિશાળ મારા પપ્પા ને મારે મારી અંદર ભરવા છે..

હું દીકરી થઈ આપની સાથે કેમ ના રહી શકું .. આ સમાજ અને રીત રિવાજો બધુ અભેરાઇ એ મૂકી ને મારે આપની સાથે કાયમ રહવું છે મકાન મિલકત કે પ્રોપર્ટી માં નહીં પણ આપે સહન કરેલી તકલીફો ,અડચણો ,મુશ્કેલીઓ ,તમારા હાથ અને પગ માં પડેલા છાલા ,આપના શરીરને લાગેલા થાકનો અને તમારી જવાબદારીઓ નો વારસદાર બનવું છે પપ્પા મારે આપની સાથે કાયમ રહેવું છે..

મારા બાળપણ માં આપ મારી માટે લાવતા એ ટરકોજાના ફ્રોર્ક અને કોપરાના બિસ્કિટ ,નાનખટાઈ ,લો ગાર્ડનમાં ઓનેસ્ટ ના પાઉં ભાજી ,રવિવાર ના દિવસે માથાના વાળ ધોઈને માથામાં જુ તો નથી પડી ને તે ચેક કરવું .. મારા હાથ ના નખ નહીં કપાવું ની રકજક ,મારુ રિસાવું આપનું મનાવવું,આપના ખભે બેસી ને રથયાત્રા ના દર્શન કરવા.. મુંબઈથી અમારા માટે લાવેલ નવા નવા કપડાં અને રમકડાં.. આપણે બનેએ ભેગા થઈ ને મમ્મી ને ચિડાવું ,.. આ બધુ ફરીથી માણવું છે પપ્પા મારે આપની સાથે કાયમ રહવું છે…

હું દસમાં ધોરણમાં ફક્ત 49% પાસ થઈ તો પણ હું બોર્ડની પરીક્ષા માં પાસ થઈ ગઈને એમ કહી પેંડા વેચી ખુશી વ્યક્ત કરી .. પણ આપની શાબાશ બેટા ની થપકી ના મળી.. મને ટૂ વ્હીલરમાં સ્કૂટર નહીં શીખવાડે પણ મામા સાથે શીખીને ચલાવું તે જોઈ ને મન માં ને મનમાં હરખાવ ,.. ક્યારેય સમાજના મેડાવડામાં ભણવાની બાબત માં ક્યારેય અમારૂ નામ ના બોલાય .. એ અફસોસ દૂર કરવો છે .. આપના જીવનના અધૂરા સપનાને પૂરા કરવા છે પપ્પા .. મારે આપની સાથે કાયમ રહવું છે
હું આજે ગમે તેટલી સફળ બનું પણ જ્યાં સુધી મારા પપ્પા મને એમ ના કહે કે “શાબાશ બેટા “મને તારા પર ગર્વ છે ત્યાં સુધી ભણવું છે પપ્પા મારે આપની સાથે કાયમ રહવું છે
લોકો એવું કહે છે કે પિતા પાસે બેસવાથી બે ફાયદા થાય છે એક પિતાની સામે આપડે કદી મોટા નથી બનતા અને બીજું એ કે પિતા કદી ઘરડા નથી થતા .. સાચું કહું છેલ્લા બે ત્રણ વરસ થી મને આપનો જન્મદિવસ પણ મનાવવો નથી ગમતો કારણ બસ એકજ હું આપને ઘરડા થતા નથી જોઈ શકતી .. દિલમાં એક પીડ ઉઠે છે અને એટલેજ પપ્પા મારે આપની સાથે કાયમ રહવું છે

પપ્પા આપને ખબર છે ને હું આપને અને મમ્મી ને મારા પર્સનલ ભગવાન માનું છું .. કાન્હો પણ મારાથી ઘણી વાર નારાજ થઈ જાય છે.. પણ મે પણ એને કહી દીધું છે કે હે કાન્હા મને માફ કરજે કે તારા કરતાં વધારે મે મારા માતા –પિતા ને પ્રેમ કર્યો છે અને તે જો ગુન્હો છે તો આ ગુન્હો કરવા પર મને ગર્વ છે..

2 thoughts on “મારો પહેલો પ્રેમ મારા પપ્પા …

  1. સુપરથી …ઉપપપપપપર…વ્હા વ્હા ખુબ જ સુંદર …
    શબ્દોની મનોરચના…દાદને પાત્ર ..!!
    ” પિતા પાસે બેસવાથી બે ફાયદા થાય છે ” ઘણું કહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *