શું તમને આપણા ગુજરાતી લેજેન્ડો વિશે જાણકારી છે?
મોર્ડન યુગમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાવાળા અમુલખ અમીચંદ સ્કૂલના બાળકો દ્વારા ભજવાયેલા, આપણી સંસ્કૃતિ અને સાહિત્યની ધરોહર એવા આપણા લેજન્ડ અખા ભગતના નાટક દ્વારા 10,000 થી વધુ લોકો સુધી આપણી માતૃભાષા, અને સંસ્કૃતિની પ્રભાવના થઈ.
માતૃભાષા અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે માટુંગા સ્થિત શ્રી અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયનાં વાર્ષિક મહોત્સવની ઉજવણી માટે “અખો બનશે તમારો સખો..” નાટક ૨૦ જાન્યુઆરીના દિવસે નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા મધ્યકાલિન યુગમાં અખાભગતે છપ્પાઓ મારફત સમાજની આંખો ખોલવા ધારદાર કટાક્ષો કરી જાગૃતતા લાવવાનું શરૂ કર્યું હતું. મોર્ડન યુગમાં પણ મધ્યકાલીન યુગના ગુજરાતી લેજન્ડ અખા ભગતનું મહત્વ દર્શાવતું નાટક “અખો બનશે, તમારો સખો” આ પ્રયોગ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ જાણવા નાટકના લેખિકા અને દિગ્દર્શિકા શ્રીમતી ભાવિની મનીષ લોડાયા સાથે થયેલી વાતચીતનાં અંશો અહીં પ્રસ્તુત છે.
આ પ્રયોગ કઈ રીતે શક્ય થયો તે જણાવતા ભવિનીબેન કહે છે કે, શાળા અંગ્રેજી માધ્યમ હોવા છતાં શાળાના ટ્રસ્ટીઓ પોતાની માતૃભાષાને પ્રોત્સાહન આપે છે. અને શાળામાં ભણાવવામાં આવતા વિષયોમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નાટકનો પ્રસ્તાવ લઈને શ્રી અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયનાં મેનેજમેન્ટ ટીમનાં પ્રવીણભાઈ શાહ, દેવેન્દ્રભાઈ શાહ પાસે આ પ્રસ્તાવ લઈને ગઈ તો તેઓ તેમજ શરદભાઈ શાહ, રાજેનભાઈ પરીખ, નિતીનભાઈ ગાંધી તેમજ સંપૂર્ણ મેનેજમેન્ટ ટીમે મારા આ પ્રસ્તાવને સ્વીકાર કરી અનમોલ તક આપી તેમણે અખા ભગતનાં છપ્પાઓ અને અખા ભગત જેવા ગુજરાતી સાહિત્યકારની ઓળખ અને આપણી સંસ્કૃતિ લોકો સુધી પહોંચે ને માટે તેમને તરતજ આ પ્રસ્તાવને પ્રેરણાત્મક સ્વીકાર આપ્યો.
નાટકનો પ્રતિસાદ
હાલમાં બધા પોતાના બાળકોને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણાવે છે પણ તેઓને આપણા ગુજરાતી ભાષાના લેજન્ડ કવિ અને લેખકો ખબર નથી. આ નાટકનાં પરિણામ રૂપે સોશિયલ મીડિયા મારફતે ૨૦૦૦ થી વધુ લોકો લાઈવ જોડાયા, તેમજ નાટકમાં ૧૫૦ જેટલા વિધ્યાર્થીઓ એ પરફોર્મ કર્યું તેઓના વાલીઓ તેમજ પરિવારના લોકોએ અને તમામ મુંબઈથી આવેલ દર્શક મિત્રો સહિત આઠ થી દસ હજાર લોકો સુધી આપણી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ લોકો સુધી પહોંચાડવી અને અખા ભગત કોણ છે એની પ્રભાવના થઈ અને અખા ભગતનો સંદેશો પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.
નાટકની રૂપ રેખા આખા નાટકમાં છપ્પાઓ, ભજનો, ગીતો, સેટ અને કોસચ્યુમ સાથે મધ્યકાલિન અખાભગતના જીવન અને કવન સાથે જોડાયેલ પાત્રો તેમજ પ્રસંગોને દર્શાવવામાં આવ્યું. તેમજ સંગીતનાં શિક્ષિકા જીજ્ઞાબેને બાળકોને ભજનની તૈયારી કરાવડાવી હતી. એવી માહિતી આપતા તેઓ કહે છે કે, અખા ભગતના પ્રસંગ દર્શાવતી વખતે પ્રસ્તુત થયેલ છપ્પાઓ સાંભળી દર્શકોના રૂવાળા ઊભા થઈ ગયા હતા અને નાટકમાં તરબોળ થઈ ગયા હતા. અખાના છપ્પાઓ એ રીતે બાળકોએ પ્રદર્શિત કર્યા હતા કે, દર્શકો પોતાના જીવન સાથે સરખાવીને આજની પરિસ્થિતી સાથે ડીલ કરી શકે તેવી પ્રેરણા મળી. બાળકોએ નાટકમાં લાઈવ ભજનો ગાયા અને એ સાંભળી દર્શકગણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
પણ , મધ્યકાલીન યુગના લેજન્ડનું નાટક આજના સમયે શા માટે ? આ સવાલનો જવાબ આપતા ભાવિનીબેન કહે છે કે, આવા પ્રયોગો દ્વારા આપણી સંસ્કૃતિ વહેતી થઈ જેથી કરીને આવનાર જનરેશન માટે સંસ્કૃતિનો વારસો આપી શકે. માતૃભાષાને ઉજાગર કરી શકાય. ગુજરાતી ભાષાના દરેક સાહિત્યકારોનું જીવન આપણા માટે પ્રેરણા આપનાર છે અને એ પ્રેરણા લઈ આપણું જીવન સરળ કરી શકીએ. અખાભગત, નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક સાહિત્યકારો અને કવિ છે જેમના જીવન, એમની રચનાઓને સાહિત્યની, સંસ્કૃતિની સમજ હશે તો આપણે સ્ટ્રેસ અને ડિપ્રેશન માટે કાઉન્સલિંગ માટે જવું જ નહીં પડે. આજે પણ શિક્ષિત સમાજ હોવા છતાં શંકા, કુશંકા, ભ્રષ્ટાચાર અને પાખંડોથી ભરેલો આપણો આ સમાજ છે. અને આજ સિચ્યુએશનમાં અખાના છપ્પાઓ આપણને આ બધી પરિસ્થિતીમાંથી બહાર નીકળવા માટેનું માર્ગદર્શન કરે છે.
સામાજિક સંસ્થા અને સ્કૂલના મેનેજમેંટને સંદેશ
વિકસિત ભારત આજે પણ અંગ્રેજોની ગુલામીમાં છે દેખાદેખીની દુનિયામાં રહેનાર ભારતને આજે વેસ્ટર્ન કલ્ચર મોડરનીટી લાગે છે. ગુજરાતી બોલનાર અભણ લાગે છે. અને અંગ્રેજી બોલનાર ભણેલો. અરે સત્તા , પાવર, મેનેજમેન્ટ અને સંપૂર્ણ વર્ચસ્વ આપણી પાસે છે.
છતાં આપણી માતૃભાષાને આપણે મરતી જોઈ રહ્યા છીએ અને કંઈ જ નથી કરી રહ્યા. એ શરમ જનક વાત છે. મોદી, અંબાણી અને અદાણી જેવી શક્તિઓ આપણી પાસે છે તો આપણી ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ તો થવો જ જોઈએ. આપણા દેશના પ્રધાનમંત્રી પ્રયત્નશીલ તો છે જ પણ, મારી અપીલ છે કે સત્તાધારી એવા પાવર ધરાવનાર વ્યક્તિત્વ પણ તેમના સંચાલન દ્વારા ચલાવવામાં આવતી શાળાઓ તેમજ સંસ્થાઓ વગેરેમાં પ્રયત્નશીલ રહી ભાષાને ઉજાગર કરવા માટે આવા બધા પ્રયોગો કરાવે.
શું તમને આપણા ગુજરાતી લેજેન્ડો વિશે જાણકારી છે?