આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના સહ-પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગાંધી જયંતિ નિમિત્તે સત્યાગ્રહ માટે વિશ્વ પ્રસિદ્ધ દાંડીની પવિત્ર ભૂમિથી ‘ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ’ની શરૂઆત કરી છે.
રવિવારે તેમનો સત્યાગ્રહ શરૂ કરતા પહેલા રાઘવ ચઢ્ઢા બાપુને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના આશીર્વાદ લેવા દાંડી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જે રીતે બાપુના મીઠાના સત્યાગ્રહે ભારતની જનતાને અંગ્રેજોના જુલમમાંથી મુક્તિ અપાવી હતી તેવી જ રીતે ‘ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ’ ગુજરાતની જનતાને 27 વર્ષના ભાજપના અહંકારી શાસનમાંથી મુક્ત કરાવશે.
આ પ્રસંગે મીડિયાને સંબોધતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, આજે પવિત્ર ભૂમિ ‘દાંડી’ જ્યાંથી બાપુએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી, ત્યાં બાપુના આશીર્વાદ લીધા. તેમના પગલે ચાલીને અમે 27 વર્ષની અહંકારી ભાજપ સરકારમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરવા દાંડીની પવિત્ર માટી હાથમાં લઈને ‘ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ’ શરૂ કર્યો છે.
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ આ પવિત્ર અને ક્રાંતિકારી ભૂમિ પરથી હાથમાં ચપટી મીઠું લઈને મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને અંગ્રેજ શાસનને સામાન્ય લોકોનો અવાજ સાંભળવા મજબૂર કર્યા હતા. જેના કારણે બ્રિટિશ સરકારને સામાન્ય લોકોની તરફેણમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી.
તેમણે કહ્યું કે જે રીતે મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહે ભારતમાં બ્રિટિશ શાસનનો અંત લાવવાનો પાયો નાખ્યો હતો, તેવી જ રીતે ‘ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ’ ગુજરાતમાંથી ભાજપના ભ્રષ્ટ અને અહંકારી શાસનનો અંત લાવશે.