આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે બપોરે ગાંધીધામ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ કચ્છની જનતાને સંબોધતા કહ્યું કે, મેં કચ્છના લોકો વિશે સાંભળ્યું હતું કે, અહીંના લોકો ક્રાંતિકારી છે અને કચ્છના લોકો જે નિર્ણય કરે છે તે નિર્ણયને આખું ગુજરાત અનુસરે છે. અત્યારે અહીંયા જય જવાન, જય કિસાન અને ઈન્કલાબ ઝિંદાબાદના એ જ નારા લગાવવામાં આવી રહ્યા છે જે પંજાબમાં લાગતા હતા અને આજે પણ લાગી રહ્યા છે.
મતલબ કે આપણી સમસ્યાઓ પણ એક સરખી જ છે, એ જ મોંઘવારી, ગરીબી અને બેરોજગારી. ગઈકાલે જ શહીદ આઝમ ભગતસિંહનો જન્મદિવસ હતો. ભગતસિંહજીને ક્યારેય ચિંતા નહોતી કે આપણા દેશને કેવી રીતે આઝાદી મળશે. આઝાદી પછી દેશ કોના હાથમાં જશે તેની તેમને ચિંતા હતી અને તેમની ચિંતા બિલકુલ યોગ્ય હતી. આજે દેશને આઝાદીના 75 વર્ષ થયા, પરંતુ જે આઝાદી સામાન્ય નાગરિક સુધી પહોંચવી જોઈતી હતી તે નથી પહોંચી, તે આઝાદી માત્ર આ મોટા નેતાઓના મહેલો અને તેમના લાલ બત્તીવાળા વાહનો સુધી જ સીમિત રહી છે. એ આઝાદીને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટેની જે લડાઈ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં લડી રહી છે તેના સંદર્ભમાં આજે અમે તમને મળવા આવ્યા છીએ.
આ લોકો મારાથી કે કેજરીવાલથી નહીં પરતું ગુજરાતની જનતાથી ડરે છે: ભગવંત માન
આ લોકો અમને ગુજરાતમાં આવવા દેતા નથી. અમે કોઈ હોટેલમાં રોકાઇએ છીએ તો હોટેલવાળાને કહી દે છે કે તેમને અહીં રહેવા ન દો. સભા જેવા કાર્યક્રમ માટે જો કોઈ હોલ બુક કરીએ છીએ, તો તેના માલિકને ડરાવે છે. હું કચ્છી લોકોનો આભાર માનું છું કે જ્યાં બજાર ભરાય છે તે જગ્યા આજે કાર્યક્રમ કરવા માટે આપી. આ લોકો અમારાથી નથી ડરતા, અમે ખૂબ નાના માણસો છીએ, અમારી કોઈ ઔકાત નથી. આ લોકો કેજરીવાલજીથી પણ નથી ડરતા, આ લોકો આટલી મોટી સંખ્યામાં આવેલા લોકોથી ડરે છે, તેઓ જનતાથી ડરે છે.
જો ભાજપના લોકોને આવી સભા કરવી હોય તો ઓછામાં ઓછા 10-15 કરોડ ખર્ચવા પડે. પહેલા લોકોને બસમાં લાવો,ખાવાનું ખવડાવો, પછી મોદી, મોદીના નારા લગાવો, આટલું બધું કામ એ લોકોને કરવું પડે છે. અમારે આટલું કામ કરવું નથી પડતું, અમે ફક્ત અરવિંદ કેજરીવાલજીનું નામ લઈએ છીએ અને લોકો આપોઆપ આવી જાય છે. કારણ કે અમે શાળા, હોસ્પિટલ, વીજળી, રસ્તાની વાત કરીએ છીએ અને આ લોકો જાતિ અને ધર્મની વાતો કરે છે. એટલા માટે આ લોકો દિલ્હીમાં બે વાર હારી ગયા. કારણ કે દિલ્હીના લોકોએ કહ્યું હતું કે, કેજરીવાલજીની શાળા સારી છે, સારી સારવાર મળે છે, તેથી અમે કેજરીવાલ ને જ મત આપીશું.