Gujarat police khaki khumari

૮૬ વર્ષના વૃધ્ધ માજીને ૫ કિ.મી તેમના ખભા પર ઉંચકીને મદદ કરી વર્ષાબેને માનવતા અને ગુજરાત પોલીસની ખાખીની ખુમારી બતાવી
રાપર પોલીસ મહિલા કર્મચારીશ્રી વર્ષાબેન માવજીભાઈ પરમારને સલામ
રાપર પોલીસના મહિલા કર્મચારીને સલામ
પોલીસ પ્રજાનો મિત્ર રાજ્ય સરકારના પોલીસ વિભાગના આ સુત્રને ખાખીની ખુમારી દર્શાવતા રાપરના લોકરક્ષક મહિલા પોલીસ કર્મચારીશ્રી વર્ષાબેન માવજીભાઈ પરમારે સાર્થક કરી છે. વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ખડીર દ્વીપમાં તાજેતરમાં ખડીરના ધોળાવીરાથી ૧૦ કિ.મી દૂર આવેલા ભંજડા દાદાના મંદિરે મોરારી બાપુની રામકથા યોજાઈ હતી. નવા ભંજડા દાદાના મંદિરથી ૫ કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિર આવેલું છે તે દરમિયાન મોરારી બાપુની રામકથા સાંભળવા આવતા ભક્તો અવાર નવાર આ ડુંગર પર ચાલીને દર્શન કરવા જતા હતા.
૫ કિ.મી દોડતા ત્યાં પહોંચીને માજીને મોઢા પર પાણી છાંટી પ્રાથમિક સારવાર આપી
એક ૮૬ વર્ષના શ્રધ્ધાળુ વૃધ્ધ માજી પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવાની ઈચ્છા થતાં એ પણ ચાલી નિકળ્યા. છેક ડુંગર સુધી પહોંચીને અડધા ડુંગર ચડતા ચક્કર આવીને પડી ગયા અને ત્યાં આજુબાજુ રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાના કારણે બેહોશ થઈ ગયા તે વખતે ત્યાં મોરારી બાપુની રામકથા યોજાઈ હોવાથી ત્યાં બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક મહિલા પોલીસ કર્મચારીશ્રી વર્ષાબેન માવજીભાઈ પરમાર( બે.નં.૩૧૦)ને ખબર પડતાં પાણી લઈને ૫ કિ.મી દોડતા ત્યાં પહોંચીને માજીને મોઢા પર પાણી છાંટી પ્રાથમિક સારવાર આપી ,પાણી પીવડાવીને એમને કથા સ્થળ પર ૫ કિ.મી તેમના ખભા પર ઉંચકીને લઈ આવ્યા હતાં.
માનવતા અને ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય સેવા સુરક્ષા અને શાંતિને હકીકતમાં સાર્થક કરાયું
આમ ૮૬ વર્ષના વૃધ્ધ માજીને મદદ કરી વર્ષાબેને તેમની માનવતા અને ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય સેવા સુરક્ષા અને શાંતિને હકીકતમાં સાર્થક કરી બતાવી છે કે પોલીસ સામાન્ય અને અશકત લોકો માટે ગમે તેવી પરિસ્થિતિમાં ખડે પગે રહી લોકોની સુરક્ષા-સહાય અને સલામતી માટે તૈયાર રહે છે.
ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી એ પણ તેમની આ ખાખીની માનવતાને બિરદાવતા તેમના સેવાના ઉદાહરણને સૌ માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ પૂર્વ કચ્છ પોલીસના મહિલા કર્મચારી વર્ષાબેનની કામગીરીને બિરદાવી હતી. ભચાઉ પોલીસ અધિક્ષક શ્રી કે.જી ઝાલાએ જણાવ્યું હતુ કે મહિલા કર્મચારીશ્રી વર્ષાબેનની સેવા કામગીરી માટે અમને સૌને ગર્વ છે તો રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એન. રાણા એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોલીસ હર હંમેશ સેવા માટે તત્પર હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ કુદરતી આફતો અને બુઝુર્ગ લોકો માટે તેમજ મહિલા બાળકો માટે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે દરેક પોલીસ કર્મચારીઓ તત્પર રહે છે અને લોકો ની સેવા કરી રહ્યા છે તેમ જણાવ્યુ હતું .
ફોટો સૌજન્ય –રાપર પોલીસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *