ભારતના ચૂંટણી પંચ ધ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ ધ્વારા નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ નિરીક્ષક તરીકે નિમાયેલા કેરાલા રાજ્યના એગ્રીકલ્ચર વિભાગના ડાયરેક્ટર ટી.વી. સુભાષ (IAS) નું ગઇકાલે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે આગમન થઇ ચૂક્યુ છે.
કેન્દ્રીય ચૂંટણીપંચના જિલ્લાના જનરલ નિરીક્ષકશ્રી ટી.વી. સુભાષે આજે સવારે ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વડીયા પ્રાથમિક શાળા ખાતે તેમજ ટેકરા ફળીયા બિરસામુંડા પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું અને નિયત જરૂરી સુવિધાઓની ઉપલબ્ધિ વિશે તેમણે જાણકારી મેળવી હતી.
ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક (જનરલ) શ્રી ટી.વી. સુભાષે રાજપીપલાની સરકારી માધ્યમિક શાળા ખાતે ૧૪૮ (નાંદોદ) વિધાનસભાના મત વિસ્તારમાં મતદાનના દિવસે ફરજ ઉપર તૈનાત કરાનારા પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે જેવા અધિકારીશ્રીઓ/કર્મચારીઓ માટે ચાલી રહેલા તાલીમ વર્ગોની પણ લીધેલી મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓને મતદાનના દિવસે કરવાની થતી કામગીરી અંગે EVM-VVPAT મશીનના સંચાલન અંગે પ્રત્યક્ષ અને હેન્ડસ-ટુ-હેન્ડસ અપાઇ રહેલી પ્રત્યક્ષ તાલીમ નિદર્શન અને વિવિધ વૈધાનિક ફોર્મ્સમાં ભરવાની થતી વિગતો સંદર્ભમાં અપાઇ રહેલી જાણકારીથી પણ તેઓને ચૂંટણી અધિકારીશ્રી ગોકલાણીએ વાકેફ કર્યા હતાં.
ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક ટી.વી.સુભાષે સરકારી માધ્યમિક શાળા ખાતે નાંદોદ બેઠકના ચૂંટણી અધિકારી અને રાજપીપલાના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને નાંદોદ, ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકા માટેના મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે ચૂંટણી માટે મતદાન અગાઉની પૂર્વ તૈયારીઓ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી તેની વિસ્તૃત અને ઝીણવટભરી જાણકારી તેમણે મેળવી હતી. આ પરામર્શ દરમિયાન સુભાષે ચૂંટણીના મતદાન માટે મતદાન મથકોની સંખ્યા, ઝોનલ, પ્રિસાઇડીંગ- પોલીંગ ઓફિસરો સહિત મતદાન મથકો માટેનો પૂરતો સ્ટાફ અને તેમની તાલીમ, કોમ્યુનિકેશન પ્લાન, કનેકટીવીટી વિનાના શેડો એરિયા, ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર, મતદાર જાગૃત્તિ, EVM-VVPAT વગેરેનું પ્રથમ રેન્ડમાઇઝેશન મહિલા-પુરૂષ, યુવા સહિત સેવા મતદારોની સંખ્યા, પોસ્ટલ બેલેટથી મતદાન માટેની વ્યવસ્થા, જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે પૂરતો સુરક્ષા પ્રબંધ, આદર્શ આચારસંહિતા અમલીકરણ, ચૂંટણીલક્ષી જુદા-જુદા પ્રકારની મંજુરી માટે સિંગલ વિન્ડો સીસ્ટમ, C-Vigil-App વગેરે જેવી બાબતો અંગે પણ પરામર્શ કરી તેમણે જાણકારી મેળવી હતી.
કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક સુભાષની ઉક્ત મુલાકાત દરમિયાન સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, લાયઝન અધિકારી અને જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અરવિંદ પટેલ તથા લાયઝન અધિકારી પ્રવિણભાઇ ડાભી વગેરે પણ સાથે જોડાયાં હતાં.