ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ચૂંટણી પહેલા ભાવનગરના કોંગ્રેસના ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે ત્યારે આ પહેલા જ ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ભાવનગરની ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલની અચાનક જ તબિયત ખરાબ થતા તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ભાવનગરની ગ્રામ્ય બેઠકના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો છે, અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હાર્ટ એટેક આવવાને કારણે સ્ટેન્ટ મૂકવું પડ્યું છે. 

નોંધનીય છે કે કોંગ્રેસે ભાવનગર ગ્રામ્ય બેઠક પર રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે જયારે ભાજપે આ બેઠક પર કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકીને ઉતાર્યા છે. ક્ષત્રિય સમાજના કોંગ્રેસના આ ઉમેદવાર સમાજમાં ઘણી નામના ધરાવે છે. રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તેઓ ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. જયારે કે ભાજપે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારેલા ઉમેદવાર પરસોતમભાઈ સોલંકી પાંચ ટર્મથી વિજેતા તરીકે ચૂંટાઈ આવે છે. ત્યારે તેમની સામે કોંગ્રેસે નવા ચહેરા રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે. 

નોંધનીય છે કે આ બેઠકમાં આવતા વિસ્તારોમાં કોળી સમાજના સૌથી વધુ મતો છે અને બીજા નંબરના સૌથી વધુ મતો ક્ષત્રિય સમાજના છે. એટલે કે કોંગ્રેસે ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે, તો ભાજપે કોળી સમાજના પાંચ વાર વિજેતા રહેલા દિગ્ગજ નેતાને મેદાને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ પણ ક્ષત્રિય સમાજના ખુમાનસિંહ ગોહિલને ટિકિટ આપી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *