રાજ્યમાં કોરોના વકર્યો; 547 નવા કેસ સામે 419 દર્દી રિકવર, એક્ટિવ કેસ 3 હજારથી વધુ
રાજ્યમાં કોરોનાના કેસો ફરી એકવાર રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 547 નવા કેસ નોંધાયા છે. જ્યારે 419 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3 હજારને પાર થયો છે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.86 ટકા થયો છે. તો સતત 15મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 30 દિવસમાં કુલ 6828 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 32 હજાર 30ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 18 હજાર 42 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3042 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3037 દર્દીઓની હાલત સ્થિર છે.
129 દિવસ બાદ સતત બીજીવાર 500થી વધુ કેસ નોંધાયા છે. ગઈકાલે પણ 529 કેસ હતા અને આજે 547 કેસ નોધાયા છે. આ પહેલાં 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234, 19 જૂને 244, 20 જૂને 217 અને 21 જૂને 226 નવા કેસ નોધાયા હતા. ત્યારબાદ 22મી જૂને 407, 23મીએ 416, 24 જૂને 380, 25 જૂને 419, 26 જૂને 420, 27 જૂને 351 કેસ, 28 જૂને 480 અને 29 જૂને 529 કેસ નોંધાયા હતા.