રાજ્યમાં વધતા કોરોનાના કેસોને લઈ આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી, એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપી

રાજ્યમાં વધતા કોરોનાના કેસોને લઈ આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી, એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપી

ગુજરાતમાં કાબુમાં આવેલો કોરોના ફરી બેકાબુ થઈ રહ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. વધી રહેલા કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે. આ સ્થિતિએ સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે. આગામી 18 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે. વડોદરામાં તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજથી જ રાજ્યની તમામ સ્કૂલોમાં નવા સત્રનું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. આ સ્થિતિને લઈને રાજ્ય સરકારે આજે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.

રાજ્યમાં વધતા કોરોનાના કેસોને લઈ આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટમંત્રી નિમિષા સુથાર અને ACS મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં રસીકરણ અને કોરોનાને ફરીથી કાબુમાં લેવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમા જ્યાં કોરોનાના કેસો વધુ આવી રહ્યાં છે ત્યાં કયા વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકવા, સ્કૂલોમાં વેક્સિનેશનનો લક્ષ્યાંક, વેક્સિન બાકી હોય તેમને વેક્સિન આપવાનો એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે ફરીવાર માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. સતત વધી રહેલું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળતી હોય છે. પરંતુ 18મી એ વડાપ્રધાન ગુજરાત આવતાં હોવાથી તેમના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી.

રાજ્યમાં 31મી મેથી કોરોનાના કેસોમાં વધારો થવા માંડ્યો છે. 31મી મેના રોજ 45 કેસ હતાં જે વધીને 12મી જૂને 140 કેસ નોંધાયા છે. છેલ્લા 5 દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે. 11 જૂને 102 દિવસ બાદ 140થી વધુ નવા કેસ નોંધાયા હતા. અગાઉ 11 માર્ચે 162 કેસ હતા.રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 225ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 945 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12.14 લાખ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 778 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિષયક વિવિધ મુદ્દે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર વિગતો આપતા જણાવ્યું કે, 1 જૂનથી સમગ્ર દેશમાં શરૂ થયેલ કોરોના વેક્સિનેસન માટેના હર ધર દસ્તક 2.0. કાર્યક્રમની અસરકારક અમલવારી, ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અને મોતીયાનિવારણ કાર્યક્રમ સંલગ્ન વિગતવાર ચર્ચા કરીને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં તેની ચિંતા કરીને સંતર્કતા રાખવામાં આવે તે મુદ્દે વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા થઇ હતી. જેના સંદર્ભ ટેસ્ટીંગ, ટ્રેસીંગ ,ટ્રીટમેન્ટ સાથે કોરોના રસીકરણને અસરકાર બનાવવા અને નાગરિકો કોવિડ અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *