મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે. કૈલાસનાથનને નિયુક્ત કરાયા, વધુ એક વર્ષ માટે CM કાર્યાલયમા નિયુક્તિનો ઓર્ડર
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે. કૈલાસનાથનને નિયુક્ત કરાયા છે, તેમને વધુ એક વર્ષ માટે CM કાર્યાલયમા નિયુક્તિનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્ર મોદી પદભાર સંભાળતા હતા ત્યારથી કૈલાસનાથ મુખ્યમંત્રી કાર્યાલયમા કાર્યરત છે.
મુખ્ય અગ્ર સચિવ તરીકે કે.કૈલાસનાથન નિયુક્ત
કે. કૈલાસનાથન લાંબા સમયથી CM કાર્યાલયમાં ફરજ બજાવે છે અને તેઓ PM મોદીના વિશ્વાસું પણ ગણાય છે. પાપ્ત માહિતી અનુસાર તેઓ છેલ્લાં નવ વર્ષથી ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કાર્યરત છે. તેઓ 2006થી 2008 સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂક્યાં છે. 2021માં કે. કૈલાસનાથનની સતત 7મી વખત મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હતી.
CMના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણૂંક
આજે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રીને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે. ડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વ્હેલું હશે ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત થતાં ડૉ. હસમુખ અઢિયાને જરૂરી સ્ટાફ-મહેકમ તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રીના સલાહકાર તરીકે ફરજ નિભાવશે એસ.એસ.રાઠૌર
એસ.એસ.રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ એસ.એસ.રાઠૌર રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે.