મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે આયોજિત સાતમા પાટોત્સવમાં સહભાગી થયા હતા. ખોડલધામ ટ્રસ્ટને સામાજિક સમરસતાના આગવા કેન્દ્ર તરીકે ઓળખાવતા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે એ વાતનો હર્ષ વ્યક્ત કર્યો હતો કે ખોડલધામ વિશ્વનું એક માત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકે છે. રાષ્ટ્રહિત અને સમાજહિતના કેન્દ્ર તરીકે ખોડલધામ વિશ્વને હંમેશા પ્રેરણા પૂરું પાડતું રહેશે એવો ભાવ તેમણે વ્યક્ત કર્યો. સમાજશક્તિને બહુવિધ વિકાસ કામોમાં જોડીને ખોડલધામ ટ્રસ્ટ રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપે છે.
આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રીએ (CM) જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસના મૂલ્યો આધારિત રાજનીતિનું ભારતને વિશ્વગુરૂ બનાવવામાં મહત્વનું પ્રદાન છે. પ્રધાનમંત્રીના દીર્ઘદ્રષ્ટિભર્યા નેતૃત્વને લીધે આ શક્ય બન્યું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. રાજયના ખેડૂતોનુ હિત સદા સરકારના હૈયે હોવાનું જણાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખેડૂતોના ઉત્કર્ષ માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. રાજય સરકારે વિવિધ કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે.
આગામી જી-20 સમિટનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં જી-20 સમિટની કુલ 15 ઈવેન્ટ્સ યોજાશે તે રાજ્યની પ્રગતિ વૈશ્વિક ફલક પર લઈ જશે. આઝાદી મેળવ્યાનાં 100 વર્ષ 2047માં થાય ત્યારે ગુજરાત અગ્રિમ હરોળનું રાજ્ય હશે એવો આશાવાદ પણ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો. ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર પરિસરમાં પથરાયેલી ૬૫૦ મૂર્તિઓ તથા પ્રદક્ષિણાપથ પર રજૂ થયેલી પાટીદારોની ગૌરવગાથા બદલ મુખ્યમંત્રીએ ખોડલધામ પ્રાંગણની સરાહના કરી હતી.સૌરાષ્ટ્રની સંતો-શુરાઓ-દાતાઓની ભૂમિમાં દર ૨૫ કિલોમીટરના ઘેરાવામાં દાનની અવિરત સરવાણી વહે છે, જેનો મુખ્યમંત્રી ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. અને સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિને નતમસ્તકે વંદન કર્યા હતા.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકારતા કહ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. તેને મંદિર પૂરતો સીમિત ન રાખતાં રાષ્ટ્ર કલ્યાણ સુધી પહોંચાડવાનું કાર્ય ઉપસ્થિત સૌએ કરવાનું છે. ખોડલધામની સ્થાપનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો સહયોગ મળવા બદલ નરેશભાઇએ આભાર માન્યો હતો. જરૂરી સુવિધાઓથી ખોડલધામ આજે ભવ્યાતિભવ્ય બન્યું છે, સરકારના સાથ સહયોગથી આ શક્ય બન્યું છે, તે બદલ મૃદુ અને મક્કમ એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. અને 2027માં ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારોમાં જુદા જુદા પાંચ જનસુખાકારીના પ્રકલ્પોની પણ નરેશભાઇએ જાહેરાત કરી હતી. જે અંતર્ગત આરોગ્ય, શિક્ષણ અને સ્પોર્ટસના સુવિધાસભર સંકુલો બનાવવામાં આવશે. આજના પાટોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 41 ટ્રસ્ટીઓને નવનિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં, શ્રીમતી અનારબેન પટેલનો નવા મહિલા ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો હતો.
સમારંભ સ્થળે આવતાં પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય મંદિર ખાતે ધ્વજા ચડાવી હતી. મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે ઉપસ્થિતોનું અભિવાદન ઝીલતા ઝીલતા કાર્યક્રમ સ્થળે આવ્યા હતા. ઉપસ્થિત જનસમુદાયે મુખ્યમંત્રીને ફુલડે વધાવ્યા હતા.
ટ્રસ્ટી દિનેશભાઇ કુંભાણીના સ્વાગત પ્રવચન બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ખોડલધામની ગાથા વર્ણવતી ટુંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ આ પ્રસંગે રજૂ કરાઇ હતી. આયોજકો તથા અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હાર, માતાજીની છબી, ખેસ, શાલ તથા સ્મૃતિચિન્હથી સન્માન કર્યું હતું. તમામ આમંત્રિતોનું આયોજકો તરફથી ખેસથી સ્વાગત કરાયું હતું. ખોડલધામ ટ્રસ્ટના નવા નીમાયેલા ટ્રસ્ટીઓને ખેસ પહેરાવી આયોજકોએ આવકાર્યા હતા. ખોડલધામની બહેનોએ ગણેશવંદનાથી મુખ્યમંત્રીને આવકાર્યા હતા. ટ્રસ્ટી પ્રવિણભાઇ જસાણીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા, શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્યો સર્વ જયેશભાઇ રાદડીયા, બિપિનભાઇ ગોતા, રમેશભાઇ ટીલાળા, કિશોરભાઇ કાનાણી, મહેન્દ્રભાઇ પાડલીયા, સાંસદ રમેશભાઇ ધડુક અને મોહનભાઇ કુંડારીયા, દિલીપભાઇ સંઘાણી, ગોરધનભાઇ ધામેલીયા, હાસ્યકલાકાર સુખદેવભાઇ ધામેલીયા, પૂર્વમંત્રી જીતુભાઇ વાઘાણી, ગોવિંદભાઇ પટેલ, જસુમતિબેન કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તથા બહોળી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.