ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના જ મહિનાઓ રહ્યા છે ત્યારે એક પછી એક નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ ગુજરાતની તમામ સીટ પર ચૂંટણી લડવાની છે. આ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પહેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા પહેલાથી જ ગુજરાતના 10 દિવસના પ્રવાસે છે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે આવતીકાલે કેજરીવાલ અને ભગવંત માન પણ ચૂંટણી પ્રચાર કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા અનેક સમીકરણો બદલાઈ જવાની સંભાવના છે. ગુજરાતમાં આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેરાત થવાની સંભાવના છે.
યોગ્ય સમયે મુખ્યમંત્રીનો ચેહરો નક્કી થશે : મનીષ સીસોદીયા
આ અગાઉ ગઈકાલે મનીષ સિસોદિયાને આપના મુખ્યમંત્રીના ચેહરા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નમાં જવાબ આપતા તેમને કહ્યું હતું કે યોગ્ય સમયે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતત પ્રચાર કરી રહી છે. અને એક પછી એક નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, સરકારી કર્મચારીઓ અને પૂર્વ સૈનિકથી લઈને ખેડૂતોના વિવિધ મુદ્દે ચૂંટણી પ્રચાર કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા રાજકોટની મુલાકાત રહ્યા છે.