
ગુજરાત–આસામના વિદ્યાર્થીઓએ લોકશાહીની કાર્યપદ્ધતિનો લીધો પ્રત્યક્ષ અનુભવ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારી તથા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે વિધાનસભા ખાતે ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત બંને રાજ્યોના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી અને લોકશાહી વ્યવસ્થા, વિધાનસભાની કાર્યપદ્ધતિ તેમજ ધારાસભાની ભૂમિકા અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ વધે અને સંવિધાનિક પ્રક્રિયાની સમજ વિકસે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, “વિધાનસભાનું કાર્ય માત્ર કાયદા ઘડવાનું કે બજેટ પસાર કરવાનું નથી, પરંતુ સરકારની કામગીરી ઉપર જવાબદારી નક્કી કરવાની મહત્વની ભૂમિકા પણ વિધાનસભાની છે.”
આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારીએ ગુજરાત અને આસામ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાત અને આસામ વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને પૌરાણિક આત્મીય સંબંધો રહેલા છે, જેને આવા કાર્યક્રમો વધુ મજબૂત બનાવે છે.”

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનો લોકશાહીની પ્રક્રિયા અને સંવિધાનિક મૂલ્યોને સમજે તે અનિવાર્ય છે.”
વક્તાઓએ એકસ્વરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર એક શૈક્ષણિક કવાયત નથી, પરંતુ યુવાનો માટે લોકશાહીની ગરિમા, જવાબદારી અને ભાગીદારી સમજવાની એક સુંદર તક છે. કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, લોકશાહી મૂલ્યો અને નેતૃત્વ ગુણો વિકસે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.