ગુજરાત એક પ્રદેશ માત્ર નથી, એક આગવી સંસ્કૃતિ અને સંસ્કાર છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતમાં અને ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને તથા ગુજરાતીઓ પ્રત્યે સ્નેહ-સન્માન રાખતા સૌ કોઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.
ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, ગુજરાત એક પ્રદેશ માત્ર નથી, ગુજરાત એક આગવી સંસ્કૃતિ અને સંસ્કાર છે… ગુજરાત એક રાજ્ય માત્ર નથી, ગુજરાત પ્રેમ અને કરુણા, શક્તિ અને ભક્તિ, સત્કાર્યો અને સખાવતનો અખૂટ સ્ત્રોત છે… ગુજરાત એક નામ માત્ર નથી, સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર વિરલ વિભૂતિઓને જન્મ આપનાર પ્રતાપી અને પ્રેરણાદાયી ભૂમિ છે ગુજરાત…
આઠમી સદીમાં ગુર્જર પ્રજા અહીં આવીને વસી, ત્યારથી આ પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાય છે અને આજે તો આખા વિશ્વમાં આ ગુજરાતે વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી છે.
સમગ્ર ભારત ગર્વ લઈ શકે એવા ગુજરાત રાજ્યનો આજે સ્થાપના દિવસ છે ત્યારે ‘ગરવી ગુજરાત’ના નિર્માણમાં સહયોગ આપનાર સહુ કોઈ પ્રત્યે આભારનો ભાવ વ્યક્ત કરતા તેમણે તમામ ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા છે.