GST કૌભાંડમાં પત્રકાર સહિત પાંચ પકડાયા

અમદાવાદમાં કરોડો રૂપિયાના જીએસટી GST કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી, આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે. 

આ મામલે જાણીતા ન્યૂઝ પેપર `ધ હિન્દુ’ના ગુજરાતના બ્યૂરો ચીફ મહેશ લાંગા સહિત અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, `ધ્રુવી’ના સંચાલક દેવરાણીની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય ભગા બારડ અને તેમના પુત્રની પણ પૂછપરછ આદરવામાં આવી છે. આ કૌભાંડમાં સુરતથી નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા, જે કંપની અસ્તિત્વમાં જ નહોંતી તેના નકલી બિલ બનાવીને અસલી બિલમાં મૂકીને જીએસટીમાં પાસ કરાવવામાં આવ્યા હતા અને જીએસટીની ચોરી કરવામાં આવી હતી. ઇઓડબલ્યૂ અને એસઓજીની ટીમોએ આ મામલે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત 14 સ્થળે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

 ઇઓડબલ્યૂ અને એસઓજીની ટીમે દરોડા બાદ ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ બોગસ કંપની દ્વારા ટેક્સ ક્રેડિટ મેળવીને કરોડોની જીએસટીની ચોરી કરી હતી. GST જીએસટીની ચોરી કરીને સરકાર સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. બોગસ કંપનીઓ ઊભી કરીને નકલી બિલો, બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી રજૂ કરીને સરકાર સાથે છેતરાપિંડી આચરી હતી. વર્ષ 2021માં મહેશ લાંગાએ ડીએ એન્ટરપ્રાઇઝ બનાવી હતી. વર્ષ 2022માં ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપની ખોટા દસ્તાવેજ પર બનાવવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય કંપનીઓએ આઠ કરોડના બિલ બનાવ્યાનું સામે આવ્યું છે. બોગસ બાલિંગ અને બોગસ કંપનીના મામલે ભાજપ ધારાસભ્યના ભત્રીજાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતે ધારાસભ્યના ભત્રીજાની પૂછપરછ ચાલી રહી છે.

ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપની સાથેના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે. અન્ય કંપનીઓ બોગસ છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. અન્ય કંપનીઓમાં પણ કરોડાના બોગસ બાલિંગ થયાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ જીએસટી દ્વારા ક્રાઇમ બ્રાન્ચની એફઆઇઆરના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યમાં 14 સ્થળે ક્રાઇમ બ્રાન્ચ, ઇઓડબલ્યૂ અને એસઓજીની ટીમોએ દરોડા પાડ્યા હતા. ડીજીજીઆઇના ઝોનલ ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝનાં નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે, જેના માટે તેમણે હજારો કરોડોના બોગસ બિલો પણ જનરેટ કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જ રૂા. 200 કરોડથી વધુના કૌભાંડની વિગતો સામે આવી રહી છે. ખાસ વાત તો એ છે કે, `ધ હિન્દુ’ના વામપંથી પત્રકાર મહેશ લાંગાને પણ આ તપાસમાં ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં આ કૌભાંડ અને કૌભાંડીઓનો આંકડો વધે તેવી પૂર્ણ શક્યતાઓ પણ છે. આ કૌભાંડ સાથે ગુજરાતમાં બોગસ બાલિંગ કૌભાંડનો આંકડો પણ રૂા. 50 હજાર કરોડને પાર થઈ ગયો છે. એફઆઇઆર અનુસાર, આ કૌભાંડ ફેબ્રુઆરી 2023થી મે 2024 સુધીમાં આચરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *