સરકારી દસ્તાવેજથી લઈને સ્કીમ સુધી, તમામ જગ્યાએ ભારત જ લખાશે: સંસદમાં પ્રસ્તાવ નહીં લાવે મોદી સરકાર, પણ સીધો જ શબ્દપ્રયોગ શરૂ કરાશે
રાષ્ટ્રપતિ ભવનની તરફથી જી20 દેશોને ડિનર માટે આપવામાં આવેલ આમંત્રણમાં પ્રેસિડેંટ ઓફ ભારત લખવામાં આવ્યું. આ બાદ આસિયાન સમિટ માટેનાં સૂચનાપત્રમાં પણ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત લખવામાં આવ્યું. આ તમામ વચ્ચે હવે ખબર આવી રહી છે કે સરકાર એવું કંઈ નથી કરવા જઈ રહી. બંધારણમાં કે સંસદમાં આ પ્રસ્તાવને લઈને આવું કંઈ કરવામાં નથી આવી રહ્યું. તેની જગ્યાએ નેરેટિવ લેવલ પર જ આ પ્રયાસ કરવામાં આવશે કે દેશને INDIAની જગ્યાએ ભારત નામથી સંબોધિત કરવામાં આવે.
ભારત લખવાનું શરૂ થશે
સૂત્રો અનુસાર આ માટે સરકાર તમામ નિમંત્રણ પત્રો, સૂચનાઓ,સરકારી યોજનાઓમાં ‘ભારત’ લખવાનું શરૂ કરશે. અત્યાર સુધી ચાલી રહેલી સ્કીલ ઈન્ડિયા અને સ્ટેંડ અપ ઈન્ડિયા જેવી યોજનાઓમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ નવી સ્કીમોમાં ભારત નામ લખવામાં આવશે. પહેલાં જ સરકારે કર્મયોગી ભારત-આયુષ્માન ભારત જેવી યોજનાઓની શરૂઆત કરી છે. આ સિવાય હોમ મિનિસ્ટર અમિત શાહ પહેલા જ IPCની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા કરવા અને CRPCને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કરવાનો પ્રસ્તાવ આપી ચૂક્યાં છે.
આ યોજનાઓથી ભારત નામની શરૂઆત
હાલમાં જ સરકારે ડ્રોન્સને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ ‘ભારત ડ્રોન શક્તિ’ રાખવામાં આવ્યું છે. આ પહેલાની યોજનાઓનાં નામ જેમકે મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા યથાવત રહેશે પરંતુ માહિતી અનુસાર નવી સ્કીમોમાં ભારત નામ લખવામાં આવશે. કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો બંધારણમાં INDIA ધેટ ઈઝ ભારત લખવામાં આવ્યું છે તેથી સ્પષ્ટ છે કે ઈન્ડિયા કે ભારત કોઈપણ નામનો ઉપયોગ સરકાર કરી શકે છે.