GOLD કેન્દ્રના બજેટમાં સોનાં-ચાંદી પર આયાત ડયૂટી ઘટાડીને છ ટકા કરવાના નિર્ણયને લીધે ગ્રાહકોમાં ફેલાયેલી રાહત થોડા દિવસ પૂરતી જ રહે તેવી ભીતિ છે. કેન્દ્ર સરકાર સુવર્ણ પર જીએસટી દર ત્રણ ટકાથી વધારીને પાંચથી બાર ટકા કરે તેવી શક્યતાને પગલે કચ્છ સહિત દેશની બજારમાં સોદા એ રીતે થઈ રહ્યા છે કે, માલની ડિલિવરી વખતે જે જીએસટી દર હશે તે મુજબ કિંમત લેવાશે. જીએસટી દર વધતાં સ્વાભાવિક રીતે જ સોનાંમાં ઘટાડાનો લાભ ધોવાઈ જશે અને કિંમતી ધાતુ ફરી મોંઘી બની જશે, તો બીજી તરફ આયાત ડયૂટીમાં નવ ટકાનો ઘટાડો થયા બાદ દેશભરના સુવર્ણકારો પાસે આયાતી સોનાંનો જે વણવહેંચાયેલો માલ પડયો છે તેમાં ઘટાડેલા દરની ગણતરી કરતાં ઝવેરીઓ માટે નફામાં ઘટાડાનો પણ વારો આવ્યો છે. કચ્છમાં પણ સ્વાભાવિક રીતે જ ઘણા વેપારીઓ-બુલિયનના લોકો પાસે આયાતી માલ રહેલો છે અને એ રીતે ડયૂટીમાં ઘટાડાને લીધે નફામાં ઘટાડો થયો છે, પણ વેપારીઓ કહે છે કે, અમે મોટેભાગે જેટલો માલ વેચીએ તેટલો લઈએ તેવી નીતિ હોય અને અત્યારે 75,000 રૂપિયાની કિંમતે પણ લોકોએ ખરીદી કરી જ હશે, જેમાં પછીના દિવસોમાં મોટો ઘટાડો નોંધાયો એટલે એમાં નફો થાય તેને જોતાં એકંદરે હિસાબ સરભર થઈ જતો હોય અથવા નફામાં થોડા નુકસાનનો તાલ હોય.
GOLD સરકારે દાણચોરી પર અંકુશ મૂકવા સહિતના હેતુ સાથે આયાત ડયૂટી તો ઘટાડી, પણ હવે જીએસટીમાં વધારાનો ખેલ પાડવાની તૈયારીની અટકળો છે. સોનાં-ચાંદીનાં મોટાં સંગઠનોએ પણ વેપારીઓને એ માટે એલર્ટ રહેવા સૂચનાઓ આપી છે. એક વાત એવી છે કે, પહેલી ઓગસ્ટની આસપાસ સરકાર જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવીને સોનાંમાં જીએસટીને હાલના ત્રણ ટકાથી વધારીને પાંચ (અને અમુક અટકળો મુજબ બાર) ટકા કરી નાખશે. ભુજ સહિત કચ્છની અને હકીકતમાં દેશભરની બજારોમાં અત્યારે એ મુજબ જ સોદા થઈ રહ્યા છે. ગ્રાહકો પાસેથી ઓર્ડર લેતી વખતે એ કરાર કરાય કે જે-તે દિવસના જીએસટીના દર મુજબ કિંમત વસૂલાશે. બજેટ બાદથી સોનાં-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, ત્યારે ભુજ સહિત કચ્છની બજારોમાં પણ ખરીદી માટેની ચહલપહલ વધી છે, જેમણે પોતાની ખરીદી અટકાવી રાખી હતી એવા લોકો હવે નીકળ્યા છે અને ચારેક દિવસમાં ખરીદીમાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.
GOLD / એસજીબી પાકવાના છે ત્યારે જ ડયૂટી ઘટાડવા પાછળ ખેલ ?
આરબીઆઈ દ્વારા જારી કરાયેલી સોવરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી)ની 2016-’17ની પ્રથમ સિરીઝ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મેચ્યોર થતી હતી અને સોનાંના ભાવ થોડા દિવસ પહેલાં બહુ ઊંચા હોવાથી રોકાણકારોને ભારે વળતરની શક્યતા હતી, પણ બજેટમાં આયાત ડયૂટીમાં કાપ મુકાતાં કિંમતોમાં કડાકો થયો અને એસજીબીના રોકાણકારોને અગાઉની તુલનાએ થોડું ઓછું રિટર્ન મળશે. બજારના વર્તુળો એવી પણ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે, એ સિરીઝમાં ખાસ્સું રોકાણ થયું હતું અને આરબીઆઈ-સરકારે રોકાણકારોને બહુ મોટા પાયે વળતરનાં નાણાં ન આપવા પડે એ માટે આયાત ડયૂટીમાં ઘટાડો કર્યો અને હવે બીજા દર વધારી નાખશે.