માનવસેવા એ જ પ્રભુ સેવા છે. માનવ સેવામાં પ્રભુનો વાસ છે : ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે
માંડવી માં છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે માંડવીના કિરણ ક્લિનિકમાં આંખનો કન્જકટી વાયરસના નિ:શુલ્ક કેમ્પનો 77 લોકોએ લાભ લીધો.
છ કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર મુનીની પ્રેરણાથી, માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ તરફથી હાલમાં ચાલી રહેલા આંખના કન્જકટી વાયરસનો ને નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પ, ડો. જય મહેતા ના કિરણ ક્લિનિક, હરિકૃષ્ણ મોલ ની સામે, સોનાવાળા નાકા પાસે – માંડવી મધ્યે તા. ૧૩/૦૮ને રવિવારના સાંજના ૪ થી ૭ વાગ્યા દરમિયાન યોજાયો હતો.
આ નિ:શુલ્ક કેમ્પને માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ દીપ પ્રગટાવીને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, માનવસેવા એજ પ્રભુ સેવા છે. માનવ સેવામાં જ પ્રભુનો વાસ છે. તેમણે કેમ્પના આયોજન બદલ છ કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવની અનુમોદના કરી, માંડવી છ કોટી જૈન સંઘને અભિનંદન પાઠવી કેમ્પમાં સેવા આપવા બદલ ભુજની લેવા પટેલ હોસ્પિટલના આંખના સ્પેશિયાલિસ્ટ ડો. ધવલભાઈ શાહ અને માંડવીના કિરણ ક્લિનિકના ડો. જય મહેતાની સેવા ભાવનાને બિરદાવી હતી.
ડો.ધવલભાઈ શાહે જણાવ્યું હતું કે, તડકાના અભાવ અને વાતાવરણના ભેજના કારણે હાલમાં આંખનો રોગ ચાલે છે. પ્રવર્તમાન સમયમાં આંખનો રોગ થાય તો અનુભવી ડોક્ટરની દવા લઈ પ્રોપર ટીપાં લેવા જોઈએ. ડો. જય મહેતાએ જણાવ્યું હતું કે, આંખમાં પાણી નીકળે, આંખ લાલ થાય, આંખમાં ચીપડા વડે કે આંખમાં ખટકતું હોય તેવું લાગે તો તાત્કાલિક ડોક્ટરનો અભિપ્રાય લેવો જરૂરી છે.
પ્રારંભમાં મેડિકલ કેમ્પમાં કાયમી ધોરણે સહકાર આપતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે, સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદભાઈ દવેનો કેમ્પને ખુલ્લો મુકવા બદલ તેમનો આભાર માન્યો હતો. છ કોટી જૈન સંઘના ચિંતનભાઈ મહેતાએ કેમ્પમાં નિ:શુલ્ક સેવા આપવા બદલ ભુજના ડો. ધવલભાઈ શાહ અને માંડવીના ડો. જય મહેતાનો આભાર માન્યો હતો. આ નિ:શુલ્ક કેમ્પનો માંડવીમાં 77 લોકોએ લાભ લીધો હોવાનું માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ (ભાછા) અને ખજાનચી જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું. આ કેમ્પમાં કિર્તીભાઈ મહેતા, શ્રીમતી ઉર્વીબેન મહેતા, દિનેશ એમ. શાહ અને જયેશભાઈ ચંદુરા સહયોગી રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું. જ્યારે જયેશભાઈ ચંદુભાઈ આભાર વિધિ કરી હતી.