શબ્દ સંકલન:નીકિતા સક્સેના
સ્મિત આપીને ફક્ત ,
પ્રેમના પગથીયા ચઢાય છે…
સાહેબ…
હૈયાના કમાડ ત્યારે જ ખુલે
જ્યારે આંખોમાં લાગણી ઉભરાય છે…
આ જીવન આપણું છે પણ શ્વાસ કોઈકના ઈશારા પર ચાલે છે. ‘કોઈક’ એટલે પરમાત્મા,ખુદા અને એનું અસ્તિત્વ કે પછી એ બધાની અતી વિશેષતા જેમાં પ્રગટ થાય તે આપણી મનગમતી વ્યક્તિ…એટલે પ્રેમ…..
સતત આપણે કોઈકમાં સમર્પિત થઈને જીવીએ છીએ.
સક્ષમ હોવા છતાં સહારાને અપનાવીએ છીએ. આમાં મર્યાદા નથી પણ આ એક વિશેષતા છે. આ જીવનકાળ માં આધાર રાખતા અને વિશ્વાસ મૂકતાં આવડવું જોઈએ. ભરોસો રાખી અને મૂકી શકાય એવું જીવન વ્યતીત કરવું જોઈએ.એ જીદંગી ની જીવનશૈલી છે. જીવનમાં હકારાત્મકતા શોધવાથી નહીં મળે, પરંતુ એવું માનીને અનેરૂ જીવન જીવવાની જિજ્ઞાસા અનુભવાય છે.
કોઈ થી પર થવું એના કરતાં એના પર નભવું ક્યારેક જીવનને સાર્થક કરે છે. વિરહ તો ઉચ્છવાસ જેટલો નજીક છે એનાથી શ્વાસના મિલનને થોડું અટકાવી શકાય છે?
હૃદય છે એટલે વ્યાકુળ જ રહેવાનું!
વળી, પ્રેમની જ્વાળા સાચા પ્રેમીને ક્યારેય ઠારતી નથી.
એટલે તો કૃષ્ણ રાધે વગર અધૂરા કહેવાતા. પ્રેમીઓને! તડપનનો તહેવાર જેને રોજ ઊજવતા આવડે છે.વિયોગ માં પણ રંગ ભરતા આવડે છે એને પ્રેમને સમજતાં વાર નથી લાગતી..!
લેખક હોવા માટે લેખ લખવા જ પડે એવું જરૂરી નથી. સારા લેખનને દાદ આપવી એ પણ લેખ લખ્યા બરાબર જ છે.
લેખક અને કવિ આ પૃથ્વીલોક ના બે એવા મનુષ્ય છે. જેઓ કોઈપણ પરિસ્થિતિ માં સુખ, કરુણા,દુઃખ અને હાસ્યના કોઈ પણ રંગ ને સમય સુચકતા મુજબ લોકો ના વિચારોમાં ભેળવી દે છે.
અપેક્ષાઓને ક્યારેય ઉતારો ગમ્યો જ નથી! એને તો આગળ વધવામાં જ આનંદ આવે છે. ઘરમાં રહીને પણ આપણે જેનું સરનામું શોધીએ છીએ એના માટે જાતને પૂછવાનો આ અવસર છે. જે તરસાવે છે એના પર વરસતા આવડે તો જીવનનું સાર્થક્ય ગણાય ..! તરસાવનારને જે ભીંજવી શકે એવા વાદળો આભ અને આંખ માં બંધાય છે.તે વરસાદ કોઈનો મહોતાજ નથી. એ તો બધાનો સરતાજ છે.
જીવન માં તોફાન આવવા જોઈએ. જેથી જીવનને માણવા નો આનંદ આવે! સીધો અને સરળ રસ્તો ક્યારેક આંખોમાં ઊંઘ ને લાવી દે છે. ખરબચડો અને વાંકોચૂકો રસ્તો મનુષ્ય ને સજાગ રાખે છે. જીવન મા હકારાત્મક ની આ કવિતા બીજાને સાથે રાખીને પોતાને સમજવાની તસ્દી લે છે…
એકાદ હોય તો છુપાવી શકું હું મારા દર્દ ને એ ‘મરીઝ’ !
આ તો પ્રેમ છે એના પુરાવાઓ હજાર છે…