સિંહોની વસ્તી વધતા શિકાર માટે ગાંધીનગરની નીલગાયોને ગીર ખસેડાશે

ગાંધીનગર
ગીર નેશનલ પાર્કમાં સિંહની વસ્તી રેકોર્ડબ્રેક વધી છે જેની સામે પુરતા પ્રમાણમાં સિંહનો ખોરાક અભ્યારણ્યમાં રહ્યો નથી જેના કારણે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતની ચિંતા કરીને ભવિષ્યનું વિચારી નીલગાય કે જેને પણ તૃણાહારી પ્રાણી કહેવામાં આવે છે તેને સિંહના ખોરાક માટે ગીરમાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને ગાંધીનગર તાલુકાની આસપાસની નીલગાયને પકડવાની દોડધામ ચાલી રહી છે. હાલ પ્રાયોગિક ધોરણે એક ઝુંડની ૧૦-૧૨ નીલગાયને પકડીને તેને સાસણ ખાતે ગીર અભ્યારણમાં છોડવામાં આવશે. પછી સતત નિલગાય અને સિંહની વર્તણૂકનો અભ્યાસ કરીને જ આ પ્રોજેક્ટ લંબાવવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.
વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરીને પ્રાયોગિક ધોરણે ગાંધીનગર શહેર અને તાલુકામાં આવેલી નીલગાયોને પકડીને તેને ગીર નેશનલ પાર્કમાં ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે નિષ્ણાંત તબીબો સહિતની ટીમે ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે અને નીલગાય કે જે અતિચચળ અને સ્ફ્રુર્તિલુ પ્રાણી છે. તેને સુરક્ષીત રીતે પકડીને સૌરાષ્ટ્ર કઇ રીતે લઇ જવી તેના માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ નીલગાયને ઇન્જેક્શનથી બેભાન કરીને પકડવાની તરકીબ વિચારવામાં આવી હતી પરંતુ આ નીલગાયની ચામડી ખુબ જ જાડી અને તેની સ્ફ્રુર્તી વધુ હોવાને કારણે તે ગનથી ઇન્જેક્શન આપવાથી જલ્દી બેભાન નહીં થાય અને વરકર્મીઓ ઉપર હુમલો પણ કરી શકે છે તેથી સામાન્ય ગાયને જે રીતે પકડવામાં આવે છે તે રીતે પગ અને ગળામાં દોરડા ભરાવીને આ નીલગાયને પકડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવશે. એક જ વિસ્તારમાંથી ઝુંડમાં રહેતી આ નીલગાયને પસંદ કરીને તેને પકડવામાં આવશે અને આ ઝુંડને ત્યાર બાદ ગીરમાં ખસેડવામાં આવશે. જ્યાં નિલગાયનો ત્રાસ હશે તે વિસ્તારમાંથી તેને રેસ્ક્યુ કરીને ગીરમાં છોડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *