
(ગાંધીનગર)
ગાંધીનગર તાલુકા પંચાયતનું વર્ષ 2021-22નું રૂપિયા 3 કરોડનું બજેટની મંજૂરી માટે તારીખ 11મી, સોમવારે મળનારી સામાન્ય સભામાં રજૂ કરાશે. ઉપરાંત સ્વભંડોળમાંથી વિકાસના કામોની જોગવાઇ સહિતના મુદ્દે ચર્ચા કરીને મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરાશે. કોરોનામાં વર્ષ 2020-21ના 8 માસ પસાર થઈ ચૂક્યાં છે, છતાં હજુ સુધી કોરોના નાબુદ થયો નથી. ત્યારે વર્ષ 2021-22ના નાણાંકીય વર્ષ માટેની તૈયારીઓ સરકારી વિભાગોમાં શરૂ થઇ ગઇ છે. હાલમાં તમામ વિભાગોમાં બજેટની તૈયારીઓ કરાઈ રહી છે.
તેમાં જિલ્લાના ગાંધીનગર તાલુકા પંચાયતના વિવિધ વિભાગોમાં સરકારી યોજનાની આવક તેમજ સ્વભંડોળમાંથી વર્ષ 2021-22નું રૂપિયા 3 કરોડનું બજેટ તૈયાર કરાયું છે. ગાંધીનગર તાલુકા પંચાયતના તૈયાર કરેલા બજેટની મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરાશે. તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી એસ ઠાકોરની અધ્યક્ષતામાં મળનારી સામાન્ય સભામાં વર્ષ 2021-22નું બજેટ ઉપરાંત ગત સામાન્ય સભા બાદ ગાંધીનગર તાલુકા પંચાયતમાં કરાયેલા ખર્ચની મંજૂરી કરવા હિસાબો રજૂ કરાશે.
વર્ષ 2020-21નું સુધારેલું અને વર્ષ 2021-22નું અંદાજપત્ર અવલોકન માટે મોકલી આપવાના મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. ગાંધીનગર તાલુકા પંચાયતની કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની બેઠકોની કાર્યવાહી નોંધોને વંચાણે લઇને મંજૂર કરવામાં આવશે. ગાંધીનગર તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી કરેલા વિકાસના કામોની મુદ્દત વધારવા સહિતના નિર્ણયો સામાન્ય સભામાં લેવામાં આવશે. જો કે, વર્ષ 2021-22ના નાણાંકીય વર્ષ માટેની તૈયારીઓ સરકારી વિભાગોમાં શરૂ થઇ ગઇ છે. તેમજ હાલમાં તમામ વિભાગોમાં બજેટની તૈયારીઓ કરાઈ રહી છે.