Gandhinagar : કુડાસણ પાસે ગુરુવારે સર્જાયેલી હીટ એન્ડ રનની ઘટના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એક્ટિવા પર સવાર માતા અને બે સંતાનોને કારચાલકે અડફેટે લેતાં ચાર વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે અજાણ્યા કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Gandhinagar : કારચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર
ગાંધીનગરના કુડાસણ કાનમ રેસીડેન્સી ફ્લેટ નંબર – ડી/302 માં રહેતા જીગરભાઈ મહેશભાઈ ઠક્કરનાં પરિવારમાં પત્ની ધરતીબેન, સાત વર્ષની દીકરી જેન્સી તેમજ ચાર વર્ષનો પુત્ર મંત્ર હતો. જીગરભાઈ રિલાયન્સ ચોકડી ખાતે છાસવાલે ડેરી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ પોતાના પાર્લર પર હાજર હતા. તે વખતે સાંજના સમયે દીકરી જેન્સીને ટયુશન મૂકવા ધરતીબેન દીકરા મંત્ર ને લઈ એક્ટિવા ઉપર કાનમ રેસીડેન્સીનાં દરવાજાની બહાર રોડ પર નીકળ્યા હતા. એ દરમ્યાન પૂરપાટ ઝડપે અજાણી કારના ચાલકે પોતાની કાર હંકારીને એક્ટિવાને ટક્કર મારી નાસી ગયો હતો.જેનાં ત્રણેય જણા એક્ટિવા પરથી રોડ પર પટકાયા હતા.
Gandhinagar : ચાર વર્ષના બાળકને સારવાર મળે તે પહેલાં જ મોત*
ચાર વર્ષીય મંત્રને વધુ ઈજાઓ થવાથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. આ દ્રશ્ય જોઈને ધરતીબેને તુરંત મંત્રને ઊંચકી લીધો હતો. એ અરસામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં બેભાન અવસ્થામાં ચાર વર્ષના દીકરાને લઈને ધરતીબેન નજીકની રાધે હોસ્પિટલ લઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં જીગરભાઈ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેમનો પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન હતો તબીબે અન્ય હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. આથી તેઓ દીકરાને લઈને આશકા હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મંત્રને મૃત જાહેર કર્યો હતો. આ સાંભળીને દંપતીનાં માથે આભ તૂટી પડયું હતું. ત્યારે પરિવારના અન્ય સભ્યો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Gandhinagar : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તમામ કોમર્શિયલ બિલ્ડીંગોને બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લા કરી દેવાની સૂચનાઓ આપી સંતોષ માની લેવામાં આવ્યો છે. જેનાં કારણે રિલાયન્સ ચાર રસ્તાથી કુડાસણ સિટી સ્કવેર મોલ તરફના આંતરિક માર્ગો આસપાસ કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટ પાર્કિંગમાં વાહનો પાર્ક કરાવવામાં આવતા નથી. એમાંય અહીં તંત્રની રહેમ નજર હેઠળ જમીનનો હેતુફેર કરીને ગેરકાયદેસર દુકાનો ઉભી કરી પાર્કિંગ નિયમોનો ઉલાળિયો કરી દેવાતા અત્રેના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરતા છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. ગઈકાલે અત્રેના રોડ પર થયેલા અકસ્માતમાં ચાર વર્ષના માસુમને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.