ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન

ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસનેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

સ્વ.માધવસિંહના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક: સીએમ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ.માધવસિંહ સોલંકીના અંતિમસંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે, સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *